
એકાગ્રતા સાથેની સાચી દિશામાં મહેનત, ચોક્કસ લક્ષ્ય અને આત્મવિશ્વાસ હોય તે ગમે તે વ્યક્તિ ધારે તે સફળતા મેળવી શકે છે. આજે 12 સાયન્સનું રિઝલ્ટ આવ્યુ છે. જેમા અનેક વિદ્યાર્થીઓએ સારા પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ બધામાં અમદાવાદની એક સામાન્ય પરિવારની દીકરીએ 12 સાયન્સમાં ઝળહળતી સફળતા મેળવી છે. સ્કૂલવાન ચાલક રાજેશ જાદવની દીકરી હિતેશા 12 સાયન્સમાં 91 પર્સેન્ટાઈલ લઈ આવી છે ત્યારે પરિવારની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. હિતેશા હવે ડૉક્ટર બનવા ઈચ્છે છે. પિતા સ્કૂલવાન ચલાવે છે અને માતા સિલાઈ કામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે.
અમદાવાદના ન્યુ મણીનગરમાં રાજેશ જાદવ અને પત્ની બબીતા જાદવને બે દીકરી અને એક દીકરો છે. રાજેશ જાદવ સ્કૂલવાનના ડ્રાઈવર છે. જ્યારે પત્ની ઘર સંભાળે છે અને છૂટક સિલાઈકામ કરે છે. પરિવારની આર્થિક સ્થિતિ સાવ સાધારણ હોવા છતા બંને દીકરી અને પુત્રને પુરી ખંત સાથે ભણાવી રહ્યા છે. જેમા મોટી દીકરી હિતેશાને ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરાવ્યો હતો. સંઘર્ષ સાથે સ્કૂલ અને ટ્યુશનની ફી ભરીને દીકરીને ભણાવી હતી. અનેક મુશ્કેલીઓનો સામનો કરી દીકરીને ભણવામાં જરૂરી કોઈ કચાશ રાખી ન હતી.
હિતેશાના પિતા જણાવે છે કે તેમની બંને દીકરીઓ બોર્ડમાં હોવાથી આર્થિક મુશ્કેલી પડી હતી. પરંતુ કોઈને પણ જાણ કર્યા વગર રાજેશભાઈએ પોતાની રીતે બંને દીકરીઓને સારી રીતે ભણાવી હતી. જેમાથી મોટી દીકરી હિતેશાનું આજે પરિણામ આવ્યુ છે. હિતેશાએ 12 સાયન્સમાં 91 પર્સેન્ટાઈલ મેળવ્યા છે અને હવે તે ડૉક્ટર બનવા માગે છે. પિતા પણ દીકરીને ડૉક્ટર બનાવવા માટે પુરી રીતે તૈયાર છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…