Ahmedabad: RTEની 5,560 અરજી રદ્દ, અરજી માન્ય કરાવવા DEO ઓફિસ ખાતે વાલીઓની પડાપડી

બે દિવસ બાદ 15 જુલાઈએ RTE અંતર્ગત પ્રવેશની ફાળવણી થશે, ત્યારે અચાનક ફોર્મ રિજેક્ટ થયું હોવાનું વાલીઓને મેસેજ આવતા વાલીઓની ચિંતા વધી છે અને રિજેક્ટ થયેલી અરજી માન્ય કરાવવા માટે વાલીઓની DEO કચેરી ખાતે લાઈન લાગી છે.

Ahmedabad: RTEની 5,560 અરજી રદ્દ, અરજી માન્ય કરાવવા DEO ઓફિસ ખાતે વાલીઓની પડાપડી
| Edited By: | Updated on: Jul 13, 2021 | 9:43 PM

Ahmedabad: RTEના એડમિશન માટેના ફૉર્મ રિજેક્ટ થતાં વાલીઓની DEO કચેરીએ ખાતે પડાપડી જોવા મળી હતી. ફોર્મની ચકાસણી બાદ 5,560 અરજીઓ રીજેક્ટ થતા વાલીઓ દોડતા થઈ ગયા છે. RTE પ્રવેશ માટે અમદાવાદ શહેરમાં 30,494 ઓનલાઈન ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1,230 અરજદારોએ જાતે જ પોતાની અરજી કેન્સલ કરી છે. જ્યારે 23,704 અરજીઓ દસ્તાવેજની ચકાસણી બાદ માન્ય રખાઈ છે.

 

બે દિવસ બાદ 15 જુલાઈએ RTE અંતર્ગત પ્રવેશની ફાળવણી થશે, ત્યારે અચાનક ફોર્મ રિજેક્ટ થયું હોવાનું વાલીઓને મેસેજ આવતા વાલીઓની ચિંતા વધી છે અને રિજેક્ટ થયેલી અરજી માન્ય કરાવવા માટે વાલીઓની DEO કચેરી ખાતે લાઈન લાગી છે. છેલ્લી ઘડીએ ફોર્મ રિજેક્ટ થતા વાલીઓની મુશ્કેલી વધી છે.

 

આ અંગે DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું હતું કે જે અરજીઓ રદ્દ થઈ છે, તે વાલીઓની અરજી રદ્દ થવાના કારણ સાથે મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે. ભાડા કરારના ડોક્યુમેન્ટમાં ક્ષતિને કારણે 5,560 અરજીઓ રદ્દ થઈ છે. જે અરજીઓમાં સામાન્ય ભૂલ અને ક્ષતિ છે, તેમાં સુધારો કરીને અરજીઓ માન્ય કરવામાં આવી રહી છે.

 

અમદાવાદ શહેરમાં 1,386 ખાનગી શાળાઓમાં 12,500 જેટલી બેઠકો પર બાળકોને RTE અંતર્ગત પ્રવેશની ફાળવણી બે દિવસ બાદ કરવામાં આવનાર છે. પ્રવેશ ફાળવણી પહેલા વાલીઓની અરજી રદ્દ થતાં ખૂટતા ડોક્યુમેન્ટ અને ભૂલ સુધારવા વાલીઓ DEO ઓફિસ પહોંચ્યા હતા. વાલીઓનો આક્ષેપ છે કે ત્રણ ત્રણ દિવસથી ધક્કા ખાતા હોવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.

 

કોઈનો ભાડા કરાર તો કોઈનું ગૂગલ મેપના કારણે ફોર્મ રદ થયું

એક વાલી હસમુખ વાઘેલાનું ફોર્મ ભાડા કરારને કારણે રદ્દ કરવામાં આવ્યું છે. હસમુખભાઈએ જણાવ્યું હતું કે ભાડા કરાર હોવા છતાં ફોર્મ અમાન્ય કરવામાં આવ્યું છે. ચાર ચાર દિવસથી ધક્કા ખાવ છું છતાં કોઈ નિરાકરણ નથી આવતું.

 

ભાવિકાબેન રાઠોડ ડિવોર્સ લીધેલા છે અને આ માટે તેમણે નોટરી કરી છે. પરંતુ નોટરી માન્ય ન રાખતા તેમનું ફોર્મ રિજેક્ટ થયું છે. ભાવિકાબેને જણાવ્યું હતું કે તેમનું ફોર્મ ખોટી રીતે રદ્દ કરવામાં આવ્યું છે. વધુમાં તેનો રોષ વ્યક્ત કરતાં કહે છે કે ‘નોટરી માન્ય ન રાખે તો હવે ફરીથી ઝઘડો કરીને કોર્ટમાં જાવ તો થાય’

 

વાલી કીર્તિ ગોહેલે તેમના મોટા પુત્રનું એડમિશન RTE હેઠળ જ લીધેલું છે અને નાના પુત્રના એડમિશન માટે આ વર્ષે ફોર્મ ભર્યું છે. પરંતુ ગૂગલ મેપમાં એડ્રેસ ન બતાવતા ફોર્મ રદ્દ થયું છે. કીર્તિભાઈએ જણાવ્યું હતું કે તેઓ 30 વર્ષથી મેઘાણીનગરમાં આવેલી ભક્તિનગર સોસાયટીમાં રહે છે. આ માટેના તમામ દસ્તાવેજો આપ્યા છે. પરંતુ માણસ કહે એ ખોટું અને ગૂગલ કહે એ સાચું.

 

આ પણ વાંચો:  NASIK : દેશની રાષ્ટ્રીય સુરક્ષામાં મોટું છીંડું, નાસિક કરન્સી પ્રેસમાંથી પાંચ લાખની છપાયેલી નોટો ગાયબ

આ પણ વાંચો: Saurashtra Rain : દરિયાકાંઠાના પંથકમાં મેઘમહેર, જુનાગઢમાં સાંબેલાધાર, વેરાવળમાં 6 ઇંચ, માંગરોળમાં 2 ઇંચ વરસાદ નોંધાયો