અમદાવાદના નરોડા ફાયર સ્ટેશન સામે આવેલી જવેલર્સની દુકાન માંથી બે બુકાનીધારીએ હથિયાર સાથે લૂટનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જો કે માલિકે પ્રતિકાર કરતા લૂંટ કરવા આવેલા બંને શખ્સો નાસી છૂટયા હતા. પોલીસે સીસીટીવી અને અન્ય માહિતિને આધારે તપાસ કરતા એક આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી છે. જેમાં આરોપીને આર્મીમાંથી કાઢી નાખ્યો તો પૈસા કમાવવા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. ઉતરપ્રદેશના ચાર મિત્રોએ લૂંટ માટે અમદાવાદ પસંદ કર્યું અને લૂંટ માટે રેકી કરી અને હથિયાર ખરીદ્યા હતા. જો કે જવેલર્સ માલિકે પ્રતિકાર કરતા લૂંટનો પ્લાન સફળ થયો નહિ.
અમદાવાદના શહેરના કોટડા વિસ્તારમાં આવેલા નરોડા ફાયર સ્ટેશન સામેના શિવકૃપા જવેલર્સમાં લૂંટમાં પ્રયાસની ઘટના સામે આવી હતી. 1 એપ્રિલના રોજ સવારમાં સમયે જવેલર્સ માલિક દુકાન પર બેઠા હતા ત્યારે અચાનક બે બુકાનીધારી દુકાનમાં ધૂસી ગયા અને હથિયાર વડે માલીકને માર મારવા લાગ્યા. જોકે માલિકે પણ પ્રતિકાર કરતા બંને બુકાનીધારીઓ લૂટ કર્યા વગર નાસી ગયા હતા. સમગ્ર મામલે સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાંચ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સીસીટીવી અને અન્ય માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. જોકે લૂંટના પ્રયાસમાં ચાર આરોપીઓ સામેલ હોવાથી પોલીસે અન્ય ત્રણનની શોધખોળ હાથ ધરી છે.
પોલીસે લૂંટમાં વપરાયેલા હથિયારો અને કારતૂસ પણ કબજે કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ઉતરપ્રદેશના આરોપી શેલેન્દ્ર યાદવની ધરપકડ કરી છે. સૈલેન્દ્ર યાદવની પૂછપરછ કરતા સામે આવ્યું કે લૂંટને અંજામ આપવા ચાર લોકો આવ્યા હતા. બે લોકો બુકાની પહેરી જવેલર્સના પ્રવેશ્યા હતા અને બે લોકો બહારથી જ રેકી કરતા હતા. જોકે લૂટ નિષ્ફળ જતાં ચારેય લોકો નાસી છૂટયા હતા. ચારેય આરોપીઓ ઉતરપ્રદેશના છે અને એક બીજામાં મિત્રો છે. તમામ આરોપીઓ ફક્ત લૂંટને અંજામ આપવા ઉતરપ્રદેશથી અમદાવાદ આવ્યા હતા. આ લૂંટને અંજામ આપવા આરોપીએ ખાસ ઉતરપ્રદેશથી હથિયારો પણ ખરીદ્યા હતા.
પોલીસ પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે પકડાયેલો આરોપી ઉપરાંત અન્ય ત્રણ આરોપીઓ ફરાર છે જેમાંથી એક આરોપી જર્મન ઉર્ફે ફોજી યાદવ અગાઉ ફોજ માં હતો જેને કોઈ કારણોસર કાઢી મૂકવામાં આવ્યો હતો. એક આરોપી અગાઉ અમદાવાદ સાત મહિના જેટલો સમય નોકરી માટે રોકાયો હતો જે બાદ તે ફરીથી ઉતર પ્રદેશ ચાલ્યો ગયો હતો. જેને કારણે તમામ મિત્રોએ અમદાવાદની કોઈ જ્વેલરીમાં લૂટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. બે દિવસ અગાઉ અમદાવાદ પહોચી રેકી કરી હતી.
જેમાં શિવકૃપા જ્વેલરીમાં એક જ વ્યક્તિ દુકાન માં બેસતી હોવાનું જણાતા અન્ય આરોપીઓને ઉતર પ્રદેશથી બોલાવ્યા હતા અને લૂંટનો પ્લાન બનાવ્યો હતો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી અન્ય ત્રણ આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે. આ આરોપીઓએ અન્ય કોઈ લૂટ કે અન્ય ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published On - 10:43 pm, Thu, 6 April 23