
Ahmedabad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટથી સુપ્રીમ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે માનહાનીના આ કેસમાં રાહુલ ગાંધી પર બે વર્ષની સજા પર રોગ લગાવતા કોંગ્રેસમાં ઉત્સાહ જોવા મળ્યો. દેશભરના કોંગ્રેસ કાર્યાલયો પર કાર્યકરોએ મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા.
મોદી સરનેમ માનહાનિ કેસમાં સુરતથી શરૂ થયેલી લડતમાં રાહુલ ગાંધીને દિલ્લીમાં રાહત મળી છે. સુરતની સેશન્સ કોર્ટે માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મહત્તમ સજા કરતા તેમનું સાંસદ પદ ગયું હતું. ત્યારબાદ હાઇકોર્ટમાંથી પણ રાહુલ ગાંધીને ઝટકો મળ્યો હતો. ત્યારબાદ તેઓ સુપ્રીમમાં અપીલ માટે ગયા અને સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને રાહત આપી છે. સજા પર સ્ટે આપ્યા બાદ કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો.
રાજ્યમાં મહાનગરપાલિકા અને જિલ્લાઓના કોંગ્રેસ કાર્યાલયો બહાર મોઢું મીઠું કરાવી તેમજ ફટાકડા ફોડી સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય બહાર તો રાહુલ ગાંધીના ફોટો સાથે ‘સત્યમેવ જયતે’ અને નફરત સામે મોહબ્બતની જીતનું પોસ્ટર પણ લગાવવામાં આવ્યું.
રાહુલ ગાંધીના માનહાની કેસને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને ધારાશાસ્ત્રી શક્તિસિંહ ગોહિલ નજીકથી જોતા આવ્યા છે. હાઇકોર્ટથી જ્યારે રાહત ના મળી ત્યારે પણ શક્તિસિંહે જણાવ્યું હતું કે ન્યાયપાલિકા પર અમને વિશ્વાસ છે અને એક દિવસ ન્યાય મળશે. આજે જ્યારે રાહત મળી છે ત્યારે શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે સત્યને પરેશાન કરી શકાય પરંતુ પરાજિત ના કરી શકાય.
સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના વધુમાં વધુ સજાના ચુકાદાની પણ ટીકા કરી કહ્યું કે વધુમાં વધુ સજા આપવી હોય તો વિસ્તૃત કારણો આપવા જોઈએ. ટ્રાયલ કોર્ટે વિસ્તારથી કારણો આપ્યા વગર 2 વર્ષની સજા ફટકારી હતી. જે ગુનો જામીન લાયક અને સમાધાન થાય એવો હોય એમાં વધુમાં વધુ સજા ના હોય એવો સિદ્ધાંત છે. સુરત સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટ ડિટેઇલ કારણો વગર પૂર્ણ સજા ના આપવાનો સિદ્ધાંત ભૂલી છે. રાહુલ ગાંધીએ આ કેસોમાં પરેશાન થવું પડ્યું પરંતુ તેઓ પરેશાન ના થયા અને લડતા રહ્યા આખરે એમને ન્યાય મળ્યો છે.
આ પણ વાંચો : અમદાવાદમાં રોંગ સાઇડ વાહનચાલકોને અટકાવવાનો કિમીયો બેઅસર, ટાયર કિલર બમ્પ પાસે પોલીસ જવાન કરાયા તૈનાત- Video
રાહુલ ગાંધીની સજા પર સુપ્રીમમાંથી સજા પર સ્ટે મળ્યા બાદ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે રાહુલ ગાંધી સામે ખોટા કેસ કરી એમનો અવાજ દબાવવા માટેનો પ્રયત્ન થયો હતો. આખરે તેમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે ત્યારે આ ચુકાદાથી સમગ્ર દેશમાં સંદેશ ગયો કે ન્યાયતંત્ર જ સર્વોપરી છે. રાહુલ ગાંધીએ દેશહિત અને લોકશાહી માટે બુલંદ અવાજે વાત કરી છે. અદાણી કેસમાં રાહુલજીએ અવાજ ઉઠાવતા સરકારી એજન્સીઓ તેમની પાછળ પડી હતી. આ ચુકાદાને કોંગ્રેસ સ્વીકારે છે અને રાહુલ ગાંધી આગામી સમયે ફરી એકવાર દેશની સંસદમાં જોવા મળશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો