
Ahmedabad: અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં આવેલા જમાલપુરમાં(Jamalpur)ગધાભાઈની ચાલી અને પીરબાઇ ધોબીની ચાલીમાં શનિવારે મોડી રાત્રે સ્થાનિકો અને કિન્નરો વચ્ચે જૂથ અથડામણની ઘટનામાં સામે આવી હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનામાં સામેલ કિન્નરો અને સ્થાનિકોની ધરપકડ કરી છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ગધાભાઈની ચાલીમાં ઘણા સમયથી કિન્નરોનું જૂથ અને સ્થાનિક અલગ અલગ કોમના લોકો વસવાટ કરે છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી કિન્નરો અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું હતું.
શનિવારે કનુભાઈ ઓડ નામના સ્થાનિક વ્યક્તિને પત્ની સાથે ઝઘડો થતો હતો અને તે ગાળા ગાળી કરતો હોતા ત્યાં નજીકમાં ઉભેલા કિન્નર આયેશાબાનું ઉર્ફે સલ્લુ દે ને કનુભાઈ ઓડ પોતાને ગાળો આપતા હોય એવું લાગતા તેણે પોતાના અન્ય સાથી કિન્નરોને બોલાવીને કનુ ઓડ ઉપર હુમલો કર્યો હતો. સમગ્ર બનાવની બાબતની અદાવત રાખીને રાતના સમયે સ્થાનિક લોકો ભેગા થઈને કિન્નરો સાથે ઘર્ષણ કરીને તેવોનું મોટરસાયકલ સળગાવ્યું હતું અને એક ઘરમાં પણ આગ લગાડી દીધી હતી.
જે બાદ બંને પક્ષો સામસામે આવી જતા પથ્થરમારો થયો હતો. ઘટનાની જાણ થતા DCP, ACP, pi સહિત 100 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓએ સ્થળ ઉપર પહોંચીને ગુનામાં સામેલ આરોપીઓની અટકાયત કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષથી કિન્નર ચાલીમાં વસવાટ કરી રહ્યાં છે અને અસમાજિક પ્રવુતિ આચરી લોકોમાં ભયનો માહોલ ઊભા કરી રહ્યા છે. અવારનવાર વિસ્તારમાં હથિયારો સાથે આવી સ્થાનિકો સાથે ઝઘડો કરતા હોવાનું સામે આવ્યું છે.
આ અગાઉ પણ વિસ્તારમાં સ્થાનિકો સાથે મારામારી કરી રોફ જમાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમજ કિન્નરોના ત્રાસના કારણે લોકોને ઘર છોડીને હિજરત કરવાની ફરજ પડી છે. આ અંગે કે ડિવિઝનના ACP મિલાપ પટેલે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ ચાર દિવસથી સ્થાનિક લોકો અને સ્થાનિક કિન્નરો વચ્ચે ઘર્ષણ ચાલતું હતું. શનિવારે બે ઘટનાઓ બની છે, જેમાં કનુભાઈ ઓડ નામના સ્થાનિક વ્યક્તિ પર કિન્નરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
આજ બાબતની અદાવત રાખીને રાતના સમયે સ્થાનિક લોકોએ ભેગા મળીને કિન્નરો પર હુમલો કરીને તેઓની બુલેટ ગાડી સળગાવી હતી. બંને પક્ષો સામ સામે આવી જતા પોલીસની ટિમે સ્થળ ઉપર પહોંચીને ગુનામાં સામેલ બંને પક્ષના આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટનામાં કોઈપણ પ્રકારની કોમી અથડામણ થઈ નથી. હાલતો બંને પક્ષો તરફથી સામસામી ફરિયાદ નોંધાઇ છે. પોલીસે રાયોટિંગ સહિતની કલમો સાથે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો