અમદાવાદ (Ahmedabad)ના બોપલ (Bopal) વિસ્તારના રહેવાસીઓને અત્યાર સુધી પીવાના પાણીને લઈને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પીવાનું દૂષિત પાણી મળતુ હોવાના કારણે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થતી હતી. એટલું જ નહીં સ્વચ્છ પાણી મેળવવા માટે બીપી વોટર પ્યુરીફાયર કે આરો સિસ્ટમ પાછળ દર મહિને ખર્ચ કરવો પડતો હતો આ તમામ સમસ્યાઓમાંથી હવે બોપલના રહેવાસીઓને મુક્તિ મળશે કારણ કે નર્મદાનું પાણી (Narmada Water) તેમને ઘર આંગણે આપવાની વ્યવસ્થા કોર્પોરેશન અને ઔડા દ્વારા કરવામાં આવી છે.
આ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણી સમિતિની બેઠકમાં બોપલ વિસ્તારને નર્મદાનું પાણી મળતુ થાય એ બાબતની સમીક્ષા કરવામાં આવી હતી. જે બાદ હવે બોપલ વિસ્તારની અંદાજિત 1 લાખ જેટલી વસ્તીને જુનના અંત સુધીમાં 20 એમએલડી નર્મદાનું પાણી મળવાની સંભાવના છે. મ્યુનિસિપલ હદમાં સમાવાયેલા ઘુમા ઉપરાંત બોપલ તળાવ સહિતના વિસ્તારોમાં સ્ટ્રોમ ડ્રેનેજને લગતા કામ પ્રગતિ હેઠળ છે. તેને ઝડપથી પુરા કરવા તંત્રને સૂચના આપવામાં આવી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નવા વિસ્તાર તરીકે સમાવિષ્ટ થયેલા બોપલ વિસ્તારના નાગરિકોની હવે પીવાના પાણીની સમસ્યા દુર થઈ જશે. બોપલ વિસ્તારમાં નર્મદાની પાઈપલાઈન નાખવાનું કામ પૂર્ણતાના આરે છે જે લગભગ જૂન જુલાઈ સુધીમાં સંપૂર્ણપણે પૂર્ણ થશે. ઔડા દ્વારા છ ઓવરહેડ ટાંકી અને એક સંપનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. હવે પાઈપલાઈનની સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે જે પૂર્ણ થતાની સાથે જ બોપલ વિસ્તારમાં રહેતા આશરે 55થી 60 હજારથી વધુ નાગરિકો અને હવે નર્મદાનું પાણી મળશે.
વોટર એન્ડ સુએજ કમિટીમાં બોપલ- ઘુમા વિસ્તારમાં સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ લાઈન અપગ્રેડેશનના કામને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન જે નાખવા અને અપગ્રેડશન કરવા ત્રણ કંપનીઓના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. રૂ. 2.08 કરોડના ખર્ચે આ કામગીરી કરવામાં આવશે. ઘુમા વિસ્તારમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે પાણીની પાઈપલાઈન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેનાથી ઘુમાના નાગરિકોને પણ નર્મદાનું પાણી મળી રહેશે.
આ પણ વાંચો- કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાત પ્રવાસે, “આગામી 25 વર્ષનું વિઝન ધ્યાન રાખીને અપાયેલું બજેટ”
આ પણ વાંચો- Surat: 150 કરોડની GST ચોરી મુદ્દે એક મહિલાની અટકાયત, મહિલાના ઘરમાંથી કરોડો રૂપિયા મળ્યા