
અમદાવાદમાં ભૂમાફિયા કનુ ભરવાડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઇ છે. કરોડોની જમીન પોતાના વેવાઈ સાથે મળીને જમીન દલાલ સાથે દોઢ કરોડની ઠગાઇ આચરી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો નોંધી 3 જમીન માલિક સહિત એક દલાલની ધરપકડ કરી છે. કરોડોની જમીન કૌભાંડમાં આર્થિક ગુના નિવારણ શાખાએ ભરતસિંહ ચૌહાણ, બળવંતસિંહ ચૌહાણ, દીવાનસિંહ ચૌહાણ અને બળદેવ ભરવાડ સહિત 11 લોકોએ ભેગા મળી ખેડૂતોની જમીન દસ્તાવેજ કરી ઠગાઈ આચરી છે.
ઘટનાની વિગતવાર વાત કરીએ તો પીપળજ સીમમાં આવેલા સર્વે નંબર 67 વાળી જમીનમાં 9 જમીન માલિકને વિશ્વાસમાં લઈને ભૂમાફિયા કનુ ભરવાડે 81 લાખ રૂપિયા ચૂકવ્યા હતા, બાદમાં તેના વેવાઈ આરોપી બળદેવ ભરવાડના નામે બાનાખત અને દસ્તાવેજ કરાઈ દીધો હતો તો કનુ ભરવાડે જમીન ખરીદી માટે ફરિયાદી મુસ્તાક પાસેથી 1.50 કરોડ રૂપિયા લીધા હતા અને તે જમીન પોતાના વેવાઈના નામે દસ્તાવેજ કરી કરોડોની છેતરપિંડી આચરી હતી. નોંધનીય છે કે આરોપી કનુ ભરવાડ અને બળદેવ ભરવાડે ભેગા મળી કરોડોની જમીન ખેડૂતો પાસેથી મેળવી ઠગાઈ આચરી છે.
ભુમાફિયા કનુ ભરવાડની મોડ્સ ઓપરેન્ડી પર નજર કરીએ તો દસ્તાવેજ પર કોઈ પણ જગ્યાએ પોતાનું નામ કે સહી કર્યા વિના જમીનોના કૌભાંડ આચરતો હતો. આવી જ રીતે પીપળજ સીમમાં આવેલ જમીન ફરિયાદી મુસ્તાક પાસેથી દોઢ કરોડ મેળવ્યા હતા. તેની અવેજમાં 30-30 લાખના પાંચ ચેક મુસ્તાકને આપ્યા હતા અને સાથે જ મુસ્તાક સાથે કનુ ભરવાડે એક સમાધાન કરાર પણ કર્યું હતું.
જેમાં કનુ ભરવાડ મુસ્તાકને સારી જમીન અપવાશે અથવા તો દોઢ કરોડ રૂપિયાનું સારું વળતર ચૂકવશે. જોકે ચેક રિટર્ન થતાં મામલો પોલીસે સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેની તપાસ બાદ આર્થિક ગુના નિવારણ શાખાએ ચાર આરોપી ધરપકડ કરી અને ફરાર 7 આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ કેસમાં મૂળ જમીન માલિક આરોપી બની ગયા છે અને બે વર્ષના સમય ગાળામાં મુખ્ય આરોપી કનુ ભરવાડે જમીન બળદેવ ભરવાડ, વાસુ દેવ અગ્રવાલ અને મનીષ ઠક્કરના નામે અલગ અલગ સમયે વેચાણ આપી દસ્તાવેજ કર્યા હોવાનું સામે આવ્યું, પરંતુ ફરિયાદીના રૂપિયા કનુ ભરવાડ સહિત જમીન માલિકો પાસે હોવાથી આ ગુનામાં તેમને આરોપી બન્યા છે પણ ભુમાફિયા કનુ ભરવાડ વિરુદ્ધ અત્યાર સુધીમાં 19 જેટલા જમીન કૌભાંડ કેસ નોંધાઈ ચુક્યા છે. ત્યારે જમીન કૌભાંડના કેસમાં કનુ ભરવાડની ધરપકડ થતા સેન્ટ્રલ જેલમાં છે.