અમદાવાદમાં ડ્રગ્સ નેટવર્કમાં મહિલાઓ પણ સક્રિય હોવાનો ખુલાસો થયો છે. જુહાપુરામાં ઘરમાં ડ્રગ્સનું વેચાણ કરતી મહિલા ડ્રગ્સ પેડલર ઝડપાઇ ગઈ છે. આ મહિલા ઝડપાયા બાદ તેની પુછપરછમાં ખુલાસો થયો છે કે બીમારીના ઈલાજ માટે આ મહિલા પૈસા બનાવવા ડ્રગ્સ પેડલર બની છે. SOG ક્રાઈમે 6 માસમાં નશાનો સોદો કરનાર 9 મહિલા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. ત્યારે નશાનો કારોબાર કરતા ડ્રગ્સ નેટવર્કમાં આ મહિલાઓ કેવી રીતે જોડાઈ એ અમે તમને જણાવીશુ.
SOGએ પરવીનબાનું બલોચ નામની મહિલાને નશાના કારોબાર કરવાના ગુનામાં કસ્ટડીમાં લીધી છે. આ મહિલા પોતાના જ ઘરમાં નશાનો સોદો કરતી હતી. SOG ક્રાઈમને બાતમી મળી હતી કે અમદાવાદના જુહાપુરામાં સંકલિત નગરમાં ડ્રગ્સનું નેટવર્ક ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે SOG ક્રાઈમે રેડ કરતા પરવીનબાનું નામની મહિલા ડ્રગ્સનું વેચાણ કરતા ઝડપાઈ ગઈ હતી. તેની પાસેથી 34.900 ગ્રામનો એમડી ડ્રગ્સનો કુલ 3.49 લાખ રુપિયાનો જથ્થો ઝડપાયો છે. છેલ્લા 4 માસથી આ મહિલા પોતાના ઘરમા ડ્રગ્સનું વેચાણ કરતી હોવાનું ખુલ્યું છે. SOG ક્રાઈમે મહિલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ડ્રગ્સ સાથે પકડાયેલી મહિલા પરવીનબાનું અને તેનો પતિ મોહસીનખાન બલોચ જુહાપુરા રહે છે. તેમને કોઈ સંતાન નથી. પતિ ડ્રગ્સની લત ધરાવે છે. જ્યારે પરવીનબાનુને ટીબીની ગાંઠ થતી હોવાથી તેના ઓપરેશન માટે એક લાખનો ખર્ચ થવાનું ડોક્ટરે જણાવ્યુ હતુ. જેથી તેણે ડ્રગ્સ પેડલર બનીને પૈસા કમાવવાનું શરૂ કર્યુ હતુ. આ મહિલામાં વટવામાં શહેજાદખાન પઠાણ પાસેથી રૂપિયા 20 હજારમાં ડ્રગ્સ ખરીદીને લાવી હતી અને 50 હજાર સુધીમાં વેચાણ કરતી હતી. તેના ગ્રાહકો ઘરેથી ડ્રગ્સ લઈ જતા હતા. SOG ક્રાઈમે આ ડ્રગ્સ નેટવર્ક મહિલાએ કેવી રીતે બનાવ્યું અને કેટલા ગ્રાહકો ડ્રગ્સ લઈ જાય છે તેની તપાસ શરૂ કરી. આ ઉપરાંત ડ્રગ્સ આપનાર વોન્ટેડ સેજાદખાન પઠાણની શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદથી મુંબઈ સુધીના ડ્રગ્સ નેટવર્કમાં મહિલાઓનો નશામાં દબદબો વધી રહ્યો છે. SOGની જુદી જુદી ટીમોએ આ નેટવર્કને લઈને સર્ચ શરૂ કર્યું છે.