
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવી ગેંગનાં બે સભ્યોને પકડી પાડ્યા છે. જે સ્પોર્ટ્સ બાઈક ચોરી કરતી હતી. આ બાઈક ચોર ગેંગ દ્વારા શહેર ભરમાં 21 જેટલી સ્પોર્ટ્સ બાઈકની ચોરીને અંજામ આપ્યો છે. જેમાંથી પોલીસે 13 જેટલા બાઈક કબજે કરવામાં આવ્યા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરેલા બે આરોપી આશિષ મીણા અને અંકિત મીણા છે. આરોપીઓ રાજસ્થાનથી કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરી માટે અમદાવાદ આવતા અને રાત્રે મજૂરી બાદ સ્પોર્ટસ બાઈકની ચોરી કરતા હતા. બાઈક ચોરી કર્યા બાદ તેને દધીચી બ્રિજ પાસે તથા મેમનગરની સૌરાષ્ટ્ર પટેલ કન્યા છાત્રાલય પાસે ખુલ્લી જગ્યામાં રાખી દેતા હતા. બાદમાં આ બાઈક જ્યારે કોઈ સાગરીત રાજસ્થાન જવાનો હોય ત્યારે આ બાઈક તે વ્યક્તિ સાથે રાજસ્થાન મોકલી આપતા હોવાનું સામે આવ્યું છે.
આ ઝડપાયેલા બંને આરોપીની પૂછપરછ કરી તપાસ કરતા આરોપીઓએ કુલ 21 વાહન ચોરી કરી હોવાની કબુલાત કરી છે. તેમાંથી 8.70 લાખની કિંમતના 13 બાઇક કબ્જે કરવામાં આવ્યા છે તો બીજી તરફ ચોરીના બાઈકનો ઉપયોગ રાજસ્થાનમાં સોશિયલ મીડિયાની રીલ્સ બનાવવા માટે આરોપીઓ કરતા હોવાની હકીકત સામે આવી છે. સાથે જ જે પણ રિલ્સ બનાવવામાં શોખીન છે અને રીલ્સ માટે મોંઘા બાઈક સસ્તામાં ખરીદવા માંગે છે તો આ ગેંગ તેને સસ્તા ભાવમાં સ્પોર્ટ્સ બાઈક આપતા હતા. મહત્વનું છે કે આરોપીઓએ અમદાવાદ, ગાંધીનગર અને સાબરકાંઠાના અલગ અલગ વિસ્તારોમાંથી આ બાઈક ચોરી કરી હોવાની કબુલાત કરી છે.
વાહન ચોરી અને ચોરીના મુદ્દા માલનો ઉપયોગ કરવો અને તેને છુપાવી રાખવાના ગુનામાં રાજસ્થાનના અન્ય 13 લોકોના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. જે તમામ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ અન્ય આરોપીની ધરપકડ થતા ચોરીના ગુનાનો આંક પણ વધે તેવી શક્યતાઓ છે. અમદાવાદમાં પણ આ ગેંગ વિરૂદ્ધ અન્ય ગુનાઓ નોંધાયા છે જેને લઇને પણ પોલીસ હવે તબક્કાવાર આરોપીઓની ધરપકડ કરશે. જોકે હજી પણ આ ગેંગ દ્વારા અનેક સ્પોર્ટ્સ બાઈક ચોરી કરી વેચ્યા હોવાના અનુમાન સાથે આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 10:12 pm, Wed, 3 May 23