એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા ખરીદ્યો ક્યુબ, આજે અમદાવાદના મનીષ રાઠોડની 150 ક્યુબ ડિઝાઇન 18 દેશોમાં મચાવે છે ધૂમ

અમદાવાદના મનીષ રાઠોડે રૂબિક્સ ક્યુબના શોખને અનોખી સર્જનાત્મકતામાં ફેરવી નાખ્યો છે. 2017માં એરપોર્ટ પર ફ્લાઇટ ડિલે દરમિયાન ખરીદેલા એક ક્યુબથી શરૂ થયેલી તેમની આ સફર આજે 500થી વધુ ટ્વિસ્ટી પઝલ્સના કલેક્શન સુધી પહોંચી ગઈ છે. એટલું જ નહીં, એન્જિનિયરિંગનું ભણતર ન હોવા છતાં તેમણે 150થી વધુ ડિઝાઇન બનાવી છે, જેમાંથી 100ને ટ્વિસ્ટી પઝલ્સ મ્યુઝિયમમાં સ્થાન મળ્યું છે અને તે 18 જેટલા દેશોમાં વહેંચાઈ રહી છે.

એરપોર્ટ પર ફ્લાઇટની રાહ જોતા ખરીદ્યો ક્યુબ, આજે અમદાવાદના મનીષ રાઠોડની 150 ક્યુબ ડિઝાઇન 18 દેશોમાં મચાવે છે ધૂમ
manish rathod manqube
Image Credit source: X
| Updated on: Oct 23, 2026 | 6:21 PM

રૂબિક્સ ક્યુબને દુનિયાભરમાં પાંચ દાયકાથી વધુ સમયથી લોકપ્રિય પઝલ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અમદાવાદના મનીષ રાઠોડે તેને માત્ર ઉકેલવાના શોખ પૂરતો સીમિત રાખ્યો નથી. વ્યવસાયે ટીવી નેટવર્કમાં સેલ્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા મનીષ રાઠોડે ગણિત, ભૌમિતિક આકારો, CAD, ફિઝિક્સ અને કમ્પ્યુટર આધારિત ડિઝાઇન જેવા વિષયો જાતે શીખીને પોતાની પઝલ્સ ડિઝાઇન કરી છે. આજે તેમનું ઘર જ દેશ-વિદેશના દુર્લભ રૂબિક્સ ક્યુબ અને ટ્વિસ્ટી પઝલ્સનું મ્યુઝિયમ બની ગયું છે.

 

મનીષ રાઠોડની પાસે 500થી વધુ ટ્વિસ્ટી પઝલ્સ

મનીષ રાઠોડનો આ શોખ 2017માં શરૂ થયો હતો. એરપોર્ટ પર ફ્લાઇટમાં વિલંબ થતાં સમય પસાર કરવા તેમણે રૂબિક્સ ક્યુબ ખરીદ્યો હતો. શરૂઆતમાં તેમને ક્યુબ કેવી રીતે સોલ્વ કરવો તેની પણ જાણકારી નહોતી. ધીમે ધીમે રસ વધ્યો અને તેમણે તેને ઉકેલવાની રીત શીખી. ત્યારબાદ અલગ-અલગ પ્રકારના ક્યુબ ખરીદીને સોલ્વ કરવાનું શરૂ કર્યું. 200થી વધુ ક્યુબ ઉકેલ્યા બાદ તેમને પોતાની અલગ ડિઝાઇન બનાવવાનો વિચાર આવ્યો. આજે તેમની પાસે 500થી વધુ ટ્વિસ્ટી પઝલ્સ છે, જેમાંથી આશરે 150 ડિઝાઇન તેમણે જાતે તૈયાર કરી છે. તેમના કલેક્શનમાં ચીનમાં બનાવાયેલું એવું સૌથી નાનું રૂબિક્સ ક્યુબ પણ છે, જેને સામાન્ય રીતે સોલ્વ કરી શકાતું નથી. તેમણે ભારત ઉપરાંત ચીન અને યુરોપિયન દેશોમાંથી પણ પઝલ્સ એકત્રિત કરી છે.

 

150 ડિઝાઇન જાતે તૈયાર કરી

વર્ષ 2020માં મનીષ રાઠોડે પોતાની ડિઝાઇન તૈયાર કરવાનું ગંભીરતાથી શરૂ કર્યું. એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ ન હોવાને કારણે શરૂઆતમાં તેમની સામે અનેક પડકારો આવ્યા. તેમણે યુટ્યુબ વીડિયો જોઈને CAD સોફ્ટવેર, ફિઝિક્સ અને એન્જિનિયરિંગના સિદ્ધાંતો શીખ્યા અને 3D પ્રિન્ટરની મદદથી પઝલ્સ બનાવવાનું શરૂ કર્યું. શરૂઆતની ડિઝાઇનમાં ઘણી ખામીઓ આવી, પરંતુ તેમણે પ્રયોગો ચાલુ રાખ્યા. 3D પ્રિન્ટર ખરીદ્યા બાદ સ્થાનિક સર્વિસ સેન્ટર પણ ઉપલબ્ધ ન હોવાથી મશીનની ખામીઓનું સમાધાન પણ તેમણે જાતે જ શોધ્યું. પઝલ બનાવવા માટેનું મટીરિયલ ક્યાંથી મેળવવું અને તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો તે પણ તેમણે જાતે શીખ્યું.

 

મનીષ રાઠોડે એક પુસ્તક પણ લખ્યું

મનીષ રાઠોડની મહેનતનું પરિણામ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યું છે. તેમની 150થી વધુ ડિઝાઇનમાંથી આશરે 100 ડિઝાઇન ‘ઇન્વેન્ટર ઓફ પઝલ્સ’ તરીકે ટ્વિસ્ટી પઝલ્સ મ્યુઝિયમમાં લિસ્ટેડ છે. આ વર્ષે તેમની બે ડિઝાઇનનું માસ પ્રોડક્શન પણ શરૂ થયું છે અને તે 18 જેટલા દેશોમાં વહેંચાઈ રહી છે. પોતાના અનુભવ અને સંઘર્ષને લોકો સુધી પહોંચાડવા મનીષ રાઠોડે આ સફર પર એક પુસ્તક પણ લખ્યું છે. આમ, એરપોર્ટ પર સમય પસાર કરવા ખરીદેલા એક સામાન્ય ક્યુબથી શરૂ થયેલો શોખ આજે ડિઝાઇનિંગ, કલેક્શન અને વૈશ્વિક ઓળખ સુધી પહોંચી ગયો છે.

Breaking News : સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપ ટીમ ઈન્ડિયા માટે જીતની ગેરંટી છે, જાણો કેવી રીતે?

Published On - 5:46 pm, Fri, 23 October 26

Follow Us
Loading...
Unable to load recommendations.