ગુજરાતમાં કબૂતરબાજીના સૂત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કર્યા બાદ એક નવો ઘટસ્ફોટ થયો છે. ડિંગુચાના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોત અને ન્યૂયોર્ક પોલીસે પકડેલા બોગસ આઈ.ઈ.એલ.ટી.એસ પરીક્ષા કૌભાંડનો રેલો ગુજરાત સુધી આવ્યો હતો. જેમાં ભરત ઉર્ફે બોબી પટેલ સહિત ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો પર ગુજરાત પોલીસે સર્વેલન્સ વધાર્યુ હતુ. ભરત ઉર્ફે બોબી પટેલ ગુજરાતમાં કબૂતરબાજીનો મોટો ખેલાડી હોય પોલીસે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. પોલીસે પોતાના બાતમીદારો એક્ટિવ કરીને તેની દરેક વિગતો એકઠી કરવા લાગ્યા હતા.
ભરત ઉર્ફે બોબી પટેલને પકડવા અલાયદુ ઓપરેશન એટલા માટે પણ ચલાવાઈ રહ્યુ હતુ કે, ડિંગુચાના ચાર સભ્યોના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોતના કેસમાં પણ તેનું નામ ચર્ચામાં આવ્યું હતુ. સૂત્રોનું કહેવું છે કે, ભરત ઉર્ફે બોબી પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, મહેસાણા જિલ્લા પોલીસ, એ.ટી.એસ, એસ.ઓ.જી અને સ્ટેટ મોનિટરીંગ સેલ સહિતની એજન્સીઓ શોધી રહી હતી. દરમિયાન એસ.એમ.સી.ના અધિકારીઓને બાતમી મળી હતી કે, ભરત ઉર્ફે બોબી પટેલ તેના ભાડજ નજીક સુપર સીટી સ્થિત ઘર પર આવ્યો છે. બાતમી મળતા જ પોલીસ ટીમ એક્શનમાં આવી અને ભરત પટેલ પકડાઈ ગયો.
SMC (સ્ટેટ મોનિટરીંગ સેલ)ની ટીમે પહેલાં દરિયાપુરના જીમખાનાનાં કેસમાં તેની ધરપકડ કરી. જુગારધારાની કલમ હેઠળ ભરત ઉર્ફે બોબીને જામીન મળી જતા અંતે તેની કબૂતર બાજીના કેસમાં ધરપકડ કરવામાં આવી.
આંચકારૂપ બાબત એ હતી કે, કબૂતર બાજીના આ જે બીજા કેસમાં બોબી પટેલની ધરપકડ કરાઈ છે તે કેસ અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો હતો. જો કે રાજ્ય પોલીસ વડાએ બોબી પટેલને જુગારકાંડમાં જામીન મળતા આરોપીને ક્રાઈમ બ્રાન્ચમાં સોંપવાની જગ્યાએ સ્ટેટ મોનિટરીંગ સેલ (એસ.એમ.સી)ને જ આગળની તપાસ કરવા હુકમ કર્યો. ક્રાઇમ બ્રાન્ચના ગુનાની તપાસ પણ એસ.એમ.સી.ને સોંપાતા ફરી બોબીની કબૂતર બાજીના કેસમાં ધરપકડ કરાઈ અને આજે એટલે કે, ગુરૂવારે સાંજે તેના રિમાન્ડ મેળવીને તપાસ પણ શરૂ કરવામાં આવશે.
ક્રાઈમ બ્રાન્ચ પાસેથી તપાસ આંચકી લઈને SMCને સોંપવાના રાજ્ય પોલીસ વડાંના નિર્ણયથી અનેક અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન એક ચર્ચાએ જોર પકડ્યું હતુ કે, ભરત ઉર્ફે બોબી પટેલ જ્યારે વોન્ટેડ હતો ત્યારે તે એક આઈ.પી.એસ અને રાજ્યની એક પોલીસ એજન્સીના પી.આઈના સંપર્કમાં હતો. આ અધિકારીઓ તેને કેમ નહોતા પકડતા તેને લઈને પણ અનેક સવાલ છે. આમ, પોલીસ અધિકારીઓના ભરત ઉર્ફે બોબી પટેલ જેવા આરોપીઓ સાથેના સંબંધની ચર્ચા થતા તપાસ ક્રાઈમ બ્રાન્ચ પાસેથી લઈને ડીજીએ પોતાના સીધા તાબામાં આવતા સ્કવોડ SMC માં ટ્રાન્સફર કરી દીધી. જેથી ભવિષ્યમાં તપાસને લઈને કોઈ નિર્દોષ અધિકારી કે એજન્સી વગોવાય નહીં.
બીજી તરફ સ્ટેટ મોનિટરીંગ સેલના એસ.પી. નિર્લિપ્ત રાયને પોલીસની સંડોવણી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તેમના ધ્યાને આવી કોઈ સંડોવણી આવી નહીં હોવાનું કહ્યું હતુ. સાથે ઉમેર્યુ હતુ કે, આરોપી તેમની પાસે જ છે, તપાસ દરમિયાન જો કોઈએ ખોટી રીતે તેને બચાવ્યો હશે કે મદદ કરી હશે તો ચોક્કસ તેમના વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.
સ્ટેટ મોનિટરીંગ સેલના સૂત્રોનું કહેવું છે કે, બોબીની ઓફિસો પરથી 94 પાસપોર્ટ કબ્જે કરાયા છે. આ તમામને યુરોપના વિઝીટર વિઝા અપાવી પહેલાં ત્યાં મોકલતો હતો. ત્યાંથી મેક્સિકો વિઝા ઓન અરાઈવલ હોય તેમને ત્યાં મોકલતો હત. જ્યાંથી મેક્સિકો અને અમેરિકાના એજન્ટો ગેરકાયદે તેમને અમેરિકામાં ઘુસાડતા હતા. આ રીતે અમેરીકા મોકલવા માટે એક વ્યક્તિ દિઠ 85 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. પોલીસનું માનવું છે કે, હાલ 100 કરોડથી વધુના વ્યવહાર અને વેપાર હોવાની શક્યતા છે. જો કે, તપાસમાં આનાથી પણ અનેકગણા મોટા હિસાબો મળે તો નવાઈ નહીં.