Ahmedabad: રખડતા ઢોર પર અંકુશ લાવવા પોલીસ એક્શનમાં, જાહેર માર્ગો પર ઘાસચારો વેચતા લોકોને પકડવા કમિશનરનું જાહેનામુ

Ahmedabad: હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર જાગ્યુ છે અને પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. શહેર પોલીસ કમિશનરે ઘાસચારો વેચતા લોકોને પકડવાનું જાહેરનામુ બહાર પાડ્યુ છે. સાથોસાથ નવરંગપુરા અને સોલા વિસ્તારને ઢોરમુક્ત જાહેર કરવાનો આદેશ આપ્યો છે.

Ahmedabad: રખડતા ઢોર પર અંકુશ લાવવા પોલીસ એક્શનમાં, જાહેર માર્ગો પર ઘાસચારો વેચતા લોકોને પકડવા કમિશનરનું જાહેનામુ
રખડતા ઢોર
| Edited By: | Updated on: Aug 26, 2022 | 7:35 PM

રાજ્યમાં માઝા મુકેલી રખડતા ઢોર(Stray Cattle)ની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે ટકોર કરી હતી કે આ માત્ર એક શહેરની સમસ્યા ન રહેતા રાજ્યવ્યાપી સમસ્યા બની ગઈ છે. રાજ્યના દરેક શહેર અને ગામમાં રખડતા ઢોરોની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. આ સમસ્યાનો નિવેડો લાવવા માટે હાઈકોર્ટે નક્કર કાર્યવાહી કરવાના કડક આદેશ આપ્યા હતા. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (AMC) રખડતા ઢોરની સમસ્યા દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. હવે પોલીસ પણ આ કામગીરીમાં જોડાઈ છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે AMCની ઢોર પાર્ટીને મદદ કરવા માટેની પોલીસને પણ જવાબદારી સોંપી છે. તેમજ શહેરમા જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

જાહેર માર્ગો પર ઘાસચારો વેચતા લોકોને પકડવા જાહેરનામુ પ્રસિદ્ધ

કોર્પોરેશને ઢોર પાર્ટીને સતત ત્રણ દિવસ સુધી રાત-દિવસ ઢોર પકડવાની કામગીરી કરવાનો આદેશ આપ્યો છે. તો બીજી તરફ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પણ જાહેરનામુ પ્રસિદ્ધ કરી જાહેર માર્ગો પર ઘાસચારો વેચતા લોકોને પકડવાનો આદેશ કર્યો છે. પોલીસ કમિશનરે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યુ છે કે જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા લોકોને પકડવામાં આવે. આ સાથે AMCને રખડતી ગાયોને પકડવામાં મદદ કરવા પોલીસને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત ACPને ફિલ્ડમાં હાજર રહીને વધુમાં વધુ આ દિશામાં કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

26 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર સુધી ઘાસચારો વેચતા લોકોને પકડવાનો આદેશ

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 26 ઓગષ્ટથી 1 સપ્ટેમ્બર સુધી જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરતા લોકોને પકડવાનો આદેશ કરવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરવાર સામે ગુનો નોંધવાની પણ સૂચના અપાઈ છે. જ્યારે DCPને પણ સૂપર વિઝન કરવા આદેશ અપાયો છે. શહેરમાં અકસ્માતનું પ્રમાણ ઘટાડવા સોલા અને નવરંગપુરા વિસ્તારને ઢોરમુક્ત કરવાની સૂચના આપવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે હાઈકોર્ટે રખડતા ઢોર મામલે AMC પર આકરુ વલણ દર્શાવતા ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને પણ રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે. આ તરફ કોર્ટની ફટકાર બાદ AMCનું તંત્ર પણ એક્શન મોડમાં આવ્યુ છે અને રખડતા ઢોરને પકડવામાં લાગી ગયુ છે. રસ્તા પર ક્યાંય પણ આવા ઢોર દેખાય તો તુરંત તેમને પકડવાની કામગીરી થઈ રહી છે.