પત્ની પ્રેમી સાથે ભાગી જતા પતિએ જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા કરતા પહેલા પતિએ પોતાની આપવીતી વ્યક્ત કરતો વિડીયો અને સુસાઇડ નોટ લખી હતી. જેના આધારે વટવા પોલીસે પત્ની અને પ્રેમી વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા મૃતક યુવક મુકેશભાઈ પ્રિયદર્શીએ 10 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી હતી.
મુકેશભાઈની પત્ની ઉર્મિલાબેન પ્રિયદર્શીનું નારોલમાં રહેતા મનીષસિંહ રાજપુત સાથે પ્રેમ સંબંધ હતા. જેના કારણે ઉર્મિલાબેનએ પતિ અને બંને બાળકોને તરછોડી પ્રેમી સાથે રહેવા જતા રહ્યા હતા. જેથી મૃતક પતિ મુકેશભાઈને લાગી આવતા મોત વ્હાલું કરી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જે અંગે મૃતકના ભાઈએ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી.
મૃતક પતિ મુકેશભાઈએ અલગ અલગ પાંચ વિડીયો બનાવી પત્ની અને પ્રેમીનો ત્રાસ, બંને બાળકો વિશે પોતાની વેદના વ્યક્ત કરી હતી. સાથે જ વટવા પોલીસ પર પણ આક્ષેપો કર્યા હતા. જેમાં પોલીસ કર્મચારીએ પત્નીના પ્રેમી મનીષ સિંહ પાસેથી 5 લાખ રૂપિયા લીધા હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. ઉપરાંત જ્યારે મુકેશભાઈ પોલીસની મદદ માગવા જતા ત્યારે તેમની રજૂઆત ન સાંભળી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જેથી મુકેશભાઈએ કંટાળી પોતાની લગ્ન તિથિના દિવસે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અને તે પહેલા સુસાઇડ નોટ લખી ઉપરાંત વિડીયો પણ બનાવ્યા હતા જેને પુરાવા તરીકે મેળવી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધ્યો. નોંધનીય છે કે પતિ મુકેશ ભાઈ અને પત્ની ઉર્મિલાના 18 વર્ષના લગ્ન જીવનો કરુણ અંત આવ્યો. ત્યારે મૃતકની પત્ની ઉર્મિલા પ્રિયદર્શી અને મનીષ સિંહ રાજપુતની શોધખોળ હાથ ધરી છે.
મૃતક પતિના મોત બાદ નોંધાયેલી ફરિયાદમાં પત્ની અને તેનો પ્રેમી બંને ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ પર થયેલા આક્ષેપો પોલીસ અધિકારીઓ નકારી રહ્યા છે અને પત્ની પતિ સાથે રહેવા ન માંગતી હોવાનું જણાવી રહી છે. જેથી પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
Published On - 5:58 pm, Sat, 11 February 23