અમદાવાદના(Ahmedabad) નરોડામાં હનીટ્રેપની(Honeytrap)ઘટના સામે આવી છે. એક યુવતીએ જવેલર્સને(Jewelers) પોતાની માયાજાળ માં ફસાવી લાખો રૂપિયા પડાવ્યા હતા. જોકે સોની વેપારીની ફરિયાદને આધારે પોલીસે યુવતી સહિત અન્ય બે લોકોની પોલીસે ધરપકડ કરી છે. જેમાં પોલીસે આરોપી અંજલિ ત્રેવેદી, શહેબાઝ અને ઈકરામની ધરપકડ કરી છે. આ આરોપીએ હનીટ્રેપ ગોઠવીને જવેલર્સ પાસેથી 9 લાખ રૂપિયા પડાવ્યા હતા.આ સમગ્ર ઘટનાની વિગત મુજબ નરોડામાં આવેલા જવેલર્સના વેપારીને હનીટ્રેપમાં ફસાવવા અંજલિ ત્રિવેદીએ સોનાના દાગીના રૂ 7 હજારમાં ગીરવે મુક્યા અને ત્યાર બાદ વેપારીને પ્રેમજાળમાં ફસાવ્યો હતો. વેપારીને હોટલમાં લઈ જઈને અંગત પળોનો વિડિઓ બનાવીને વેપારીને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું.
તેમજ વેપારીને વિડિઓ વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી 9 લાખ રૂપિયા પડાવ્યા હતા એટલું જ નહિ આ ટોળકી વધુ 3 લાખ લેવા વેપારીને દબાણ કરતી હતી. જેથી કંટાળીને વેપારીએ નરોડા પોલીસની મદદ લીધી. પોલીસે છટકું ગોઠવીને આ ત્રિપુટીને ઝડપી પાડી છે.પોલીસે ત્રિપુટીની ધરપકડ બાદ પૂછપરછ કરતા ચોકાવનારા કારણો સામે આવ્યા હતા. આરોપી અંજલિ ત્રિવેદી અને શહેબાઝ વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. અંજલિ ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી અને બીએડ કરવા માટે રૂપિયા 1.20 લાખની જરૂર હતી. આ ઉપરાંત યુવતીએ ક્રિપટો કરન્સીના રોકાણ માં 14 થી 15 લાખનું દેવું થઈ ગયું હતું જેથી પ્રેમી શહેબાઝ સાથે મળીને અંજલિએ હનીટ્રેપ નું ષડયંત્ર રચ્યુ હોવાનું સામે આવ્યું હતું. શહેબાઝ આ કાવતરામાં પોતાના મિત્ર ઈકરામને સામેલ કર્યો હતો.
જવેલર્સને પ્રેમજાળમાં ફસાવ્યો અને શારીરિક સંબંધ બનાવ્યો ત્યાર બાદ યુવતીએ વેપારીને ગર્ભવતી છે તેવું કહીને 50 હજાર પડાવ્યા હતા એટલું જ નહીં વેપારીને ધમકી પણ આપી કે જો તેની સાથે લગ્ન નહી કરે તો પોતે આપઘાત કરી લેશે, અને ખોટા કેસમાં ફસાવી દેશે. આ ધમકીથી ડરીને વેપારીએ 9 લાખ આપ્યા હતા તેમ છતાં આ ટોળકી વધુ પૈસાની માંગણી કરતી હતી. આ ત્રિપુટી વધુ પૈસા પડાવવા સફળ થાય તે પહેલાં જ નરોડા પોલીસે ઝડપી લીધા છે.
નરોડામાં હનીટ્રેપનાં કિસ્સામાં પોલીસે આરોપીના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલવાની તજવીજ શરૂ કરી છે. જ્યારે આરોપીઓ ક્રિપટો કરન્સીના રેકેટમાં પણ સંડોવાયેલા હોવાથી તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે તેમજ આ યુવતીએ અથવા તો ત્રિપુટીએ અન્ય કોઈ વ્યક્તિને પોતાની માયાજાળમાં ફસાવ્યા છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.