Ahmedabad: ખેડૂતો માટે કામ કરતી સંસ્થા ગુજકોમાસોલની 62 મી વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ.. કરોડોનું ટર્ન ઓવર ધરાવતી સંસ્થાએ આ વર્ષે સભાસદોને 20 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કર્યો છે તો સમગ્ર રાજ્યમાં 200 કરતા વધારે સેન્ટરો પર ગુજકોમાસોલના રિટેલ સ્ટોર શરૂ કરવાની પણ જાહેરાત કરાઈ છે. ગુજકોમાસોલની વાર્ષિક સામાન્ય સભા અમદાવાદમાં યોજાઈ. હજારો સભાસદો સાથે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપીન પટેલ, સહકારી આગેવાન અને ધારાસભ્ય જયેશ રાદડિયા, રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ચેરમેને ગતવર્ષની ગુજકોમાસોલની કામગીરી વર્ણવી હતી. જેમાં અત્યાર સુધીનું આ વર્ષે સૌથી વધુ 4764.33 કરોડનું ટર્ન ઓવર કર્યું છે. કુલ ટર્નઓવરમાંથી નેટ નફો 23.742 કરોડ જે ગત વર્ષ કરતા 3 ઘણો વધારે છે. ગુજકોમાસોલ 1752 કરોડના ચણાની ખરીદી ટેકાના ભાવે તેમજ 459 કરોડના રાયડાની ખરીદી ટેકાના ભાવે કરી હતી. બિયારણ વિભાગ નું અગાઉ ટર્નઓવર 58.64 કરોડ હતું, ત્યારબાદ 77.91 કરોડ થયું અને હવે ચાલુ વર્ષે 100 કરોડને પાર કરી 101. 47 કરોડ સુધી પહોંચ્યું છે.
ગુજકોમાસોલ ખેડૂતો અંગે કામ કરતી સંસ્થા છે. અત્યારે ટેકાના ભાવે ખરીદી, બિયારણ અને અન્ય કામગીરી સાથે સંકળાયેલી છે. પરંતુ ભવિષ્યમાં રિટેલ ઉદ્યોગમાં પણ ઝંપલાવશે એવી જાહેરાત કરવામાં આવી. ખેડૂતોની પેદાશોનું સારા ભાવે વેચાણ થાય અને વચેટિયા પ્રથા બંધ થાય એ માટે ગુજકોમાસોલ રાજ્યમાં 200થી પણ વધુ રિટેઇલ સ્ટોર શરૂ કરશે એ અંગેની જાહેરાત ચેરમેન દિલીપ સંઘાણી એ કરી. ગુજકોમાસોલના ‘ગુજકો મીની’, ‘ગુજકો માર્ટ’ અને ‘ગુજકો સુપર માર્ટ’ આગામી દિવસોમાં શરૂઆત થશે. જેમાં ખેડૂતો દ્વારા તૈયાર થતી પ્રોડક્ટ ગ્રાહકો સારી ગુણવત્તામાં અને સારા ભાવે પ્રાપ્ત થશે. તેમજ એનો લાભ ખેડૂતોને મળી રહે એ મુખ્ય આશય રહેશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:03 am, Wed, 27 September 23