બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર હૃતિક રોશનના ખંડાલાના વીકએન્ડ વિલામાં ગુજરાત (Gujarat) નું કનેક્શન જોવા મળ્યું છે. આ વિલા માટેની ડિઝાઈનર ઈંટો અમદાવાદ (Ahmedabad) માં બનેલી છે. રોશનનું વેકેશન હોમ, જે 22,400 ચોરસ ફૂટ ફૂટમાં પથરાયેલું છે. જે આર્કિટેક્ટ ગ્રિગોરિયા ઓઇકોનોમો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. એક અખબાર સાથે થયેલી વાતચીતમાં ઓઇકોનોમોએ જણાવ્યું હતું કે, “અમે હૃતિકના વેકેશન હોમ પ્રોજેક્ટ માટે ઇંટો માટે ખાસ ટેક્સચર, ટકાઉપણું અને રંગ ઇચ્છતા હતા. આવી ઇંટો અમદાવાદમાંથી મંગાવવામાં આવી હતી. અમે પ્રોજેક્ટ માટે ગુજરાતમાં બનેલી 30,000 થી વધુ ઇંટોનો ઉપયોગ કર્યો હતો.” તેણીએ ઉમેર્યું હતું કે ગુજરાતની ડિઝાઇનર ઇંટોનો ઉપયોગ અન્ય કેટલાક અગ્રણી પ્રોજેક્ટ્સમાં પણ કરવામાં આવી રહ્યો છે. ડિઝાઇનર ઘરોના વધતા ચલણનો લાભ ઉઠાવવા માટે ગુજરાતના ઇંટ ઉત્પાદકોએ વિવિધ પ્રકારની ડિઝાઇનર, એલિવેટેડ ઇંટોનું ઉત્પાદન કરીને તેના વ્યવસાયમાં વધારો કર્યો છે જે સેલિબ્રિટી ઘરોને એક અલગ જ પ્રકારના લુક આપે છે.
અમદાવાદ ઇંટ ઉત્પાદકોએ જણાવ્યું કે તેમની ખાસ પ્રકારની ઇંટોનો ઉપયોગ હૃતિક રોશનના વીકએન્ડ હોમમાં અને એક્ટ્રેસ સુરવીન ચાવલાના મુંબઈ નિવાસમાં ઉપયોગમાં લેવાઈ છે. ગુજરાત ડિઝાઇનર એક્સપોઝ્ડ ઇંટોના હબ તરીકે ઉભરી રહ્યું છે. અત્યારે મુંબઈ, દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં જાણીતા આર્કિટેક્ટ્સને આ ઇંટો સપ્લાય કરવા ઉપરાંત યુરોપિયન દેશોમાંથી પણ ઓર્ડરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.
કંપનીએ તાજેતરમાં યુએઈના અબુ ધાબીમાં સ્વામિનારાયણ મંદિરના નિર્માણ માટે પણ ઈંટો સપ્લાય કરી હતી. મધ્ય પૂર્વ અને યુરોપ અત્યારે ગુજરાતમાં ઈંટ ઉત્પાદકો માટે સૌથી મોટા નિકાસ બજારો તરીકે ઉભરી આવ્યાં છે, જેમના માલસામાનનો ઉપયોગ પ્રતિષ્ઠિત ઈમારતો બાંધવા માટે થાય છે. ઓસ્ટ્રેલિયા પણ અહીંના ઈંટ ઉત્પાદકો માટે ધીમે ધીમે ઉભરતું નિકાસ બજાર છે.
ઇંટ ઉત્પાદકોએ જણાવ્યું કે અમે હાથથી બનાવેલી, મશીનથી બનેલી અને દબાવીને બનતી ઇંટો બનાવીએ છીએ. અત્યાર સુધી અમે સ્થાનિક માંગને સંતોષતા હતા પરંતુ હવે મધ્ય પૂર્વ, યુરોપ અને યુએસમાં નિકાસ શરૂ કરી દીધી છે. ત્યાં મોટી માંગ છે. હાઈ-એન્ડ બંગલા અને ઈમારતોમાં ઉપયોગમાં લેવાતી એલિવેશન ઈંટો માટેના કાચા માલની સરળ ઉપલબ્ધતા અને સસ્તા મજૂરી ખર્ચને કારણે ગુજરાત એક વિશ્વસનીય સપ્લાયર તરીકે ઉભરી રહ્યું છે.
ગુજરાતમાં ઈંટોના ઓછામાં ઓછા 1,200 મોટા ઉત્પાદકો છે જે દર વર્ષે ઓછામાં ઓછી 400 કરોડ ઈંટોનું ઉત્પાદન કરે છે, ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન (GBMF)ના અંદાજો સૂચવે છે. તેમાંથી માંડ 10 ઉતપાદકો એલિવેશન ઈંટો બનાવે છે.
રાજ્યનો ઈંટ બનાવવાનો ઉદ્યોગ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પંજાબ જેવા રાજ્યો કરતાં ઘણો પાછળ હોવા છતાં, એલિવેટેડ ઈંટના ઉત્પાદનમાં વૈવિધ્યકરણ સ્થાનિક ઉત્પાદકોને તેમના કરતાં આગળ રાખી રહ્યું છે. ઉદ્યોગના સૂત્રો જણાવે છે કે ગુજરાતના ઉત્પાદકો હવે પંજાબ અને હરિયાણાના અન્ય ઉત્પાદકોને આ સેગમેન્ટમાં તેમના નાણાં રોકવા માટે ભાગ આપી રહ્યા છે. નિયમિત બાંધકામની ઇંટોની કિંમત 7-8 રૂપિયાની આસપાસ હોય છે, ત્યારે આ ખાસ ઇંટોની કિંમત 15 રૂપિયાની આસપાસ હોય છે.
આ પણ વાંચોઃ Rajkot: તબીબોની સતત બીજા દિવસે હડતાળ, 125થી વધુ ઓપરેશન ટલ્લે ચડ્યા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો