Ahmedabad: તહેવારોની સીઝનમાં સ્ટેટ GST વિભાગે રાજ્યભરના મોબાઈલ વિક્રેતાઓ પર દરોડાની કામગીરી કરી હતી. મોબાઈલ ફોનનું બિલ વગર રોકડમાં વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ જીએસટીએ અમદાવાદ ના 57 સહીત કુલ 79 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં પેઢીઓ દ્વારા રૂપિયા 22 કરોડની ખોટી વેરાશાખ લીધી હોવાનું સામે આવ્યું છે. જેમાં સ્થળ પર રૂપિયા 3 કરોડની વસુલાત જ્યારે 500 મોબાઈલ જપ્ત કરાયા હતા.
ગુજરાત સ્ટેટ GST વિભાગને મળેલ બાતમીના આધારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભુજના 79 મોબાઈલ વિક્રેતાઓ પર દરોડા કામગીરી કરવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે વિક્રેતાઓ 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કરી છે. વિક્રેતાઓ મોબાઈલ ફોનની ખરીદીઓ ટેક્સ-ઈન્વોઈસથી કરી તેનું રોકડેથી બિલ વગર વેચાણ કરી દેતા હતા અને ફોનની ખરીદીની વેરાશાખનો ઉપયોગ ગ્રે-માર્કેટમાંથી બિલ વગર ખરીદેલ ફોનનાં B2B વેચાણોના ભરવાપાત્ર વેરા માટે કરી કરચોરી કરવામાં આવતી હતી.
તપાસમાં એ બાબતો પણ સામે આવી કે વિક્રેતાઓએ ખરીદ-વેચાણ કરેલ મોબાઈલ ફોનની કંપની, મોડેલ નંબર, કિંમત તથા IMEI નંબરનો રેકોર્ડ ઉપલબ્ધ ના હતો. કરચોરીમાં સામેલ વેપારીઓ કોઈપણ પ્રકારના હિસાબો રાખતા ના હતાં. જેના કારણે કરચોરીની રકમનો તાગ મેળવવા વિભાગના અધિકારીઓને સંખ્યાબંધ વ્યવહારોની ડેટા-એન્ટ્રી કરવાની ફરજ પડી હતી. તપાસમાં રૂપિયા 3 કરોડની વસુલાત કરવામાં આવી અને બિલ વગરના 500થી વધુ મોબાઈલ ફોન સીઝ કરવામાં આવ્યા. GST વિભાગે દરોડામાં કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે. જેના અભ્યાસ બાદ કરચોરીનો આંકડો વધે એવી શક્યતાઓ રહેલી છે.
આ પણ વાંચો: Rajkot : મોંઘી થઇ ગરીબોની ‘કસ્તૂરી’ ! ફરી એકવાર ડુંગળીના ભાવમાં તોતિંગ વધારો, જુઓ Video
સ્ટેટ GST વિભાગની અલગ અલગ ટીમોએ રાજ્યના સાત શહેરોના મોબાઈલ વિક્રેતાઓ 79 જગ્યા પર દરોડાની કામગીરી કરી હતી. જેમાં સૌથી વધારે અમદાવાદમાં 57, સુરત 8, ભુજમાં 4, રાજકોટમાં 3, જુનાગઢ 3, વડોદરા-મહેસાણાના 2-2 સ્થળો પર દરોડા કામગીરી કરાઈ હતી.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો