Ahmedabad: રાજ્યની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો હવે લડી લેવાના મૂડમાં છે અને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યુ છે. ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી સહિત ગ્રાન્ટેડ શાળાઓના પડતર પ્રશ્નોને લઈ શિક્ષકો દ્વારા રાજ્યભરમાં મૌન રેલી યોજવામાં આવી હતી. TET-TAT પાસ ઉમેદવારોની કરાર આધારિત શિક્ષકોની ભરતી જ્ઞાનસહાયકને લઈ વિરોધ જારી છે ત્યારે જે શાળાઓમાં કરાર આધારિત ભરતી થવાની છે તે ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો, આચાર્યો અને શિક્ષકો દ્વારા શનિવારે રાજ્યભરમાં મૌન રેલી યોજવામાં આવી.
શિક્ષકોની કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતી થાય, ક્લાર્ક, પટાવાળા, ગ્રંથપાલની ભરતી ગ્રાન્ટ-ઇન-એડ પસંદગી સમિતિ મુજબ કરવામાં આવે, 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે , તેમજ FRC લાગુ થયા બાદ છેલ્લા 6 વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓને ફી માં વધારો કરી આપવામાં નથી આવ્યો જેમાં વધારો થાય એ માગ સાથે છેલ્લા કેટલાક મહિનાઓથી શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના માર્ગદર્શન હેઠળ આંદોલન ચાલી રહ્યું છે. જેમાં શનિવારે રાજ્યના તમામ જિલ્લાઓમાં મૌન રેલી યોજી સરકાર સામે અવાજ બુલંદ કરવામાં આવ્યો છે.
શિક્ષણમાં કરાર મંજુર નહીં:આચાર્ય મંડળ
ગ્રાન્ટેડ શાળાઓની રેલીમાં આચાર્યો પણ જોડાયા હતા. ઉસ્માનપુરામાં યોજાયેલ રેલીમાં ગ્રાન્ટેડ શાળા આચાર્ય મંડળના પ્રમુખ રાકેશ પંડ્યાએ જણાવ્યું કે શિક્ષણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો અલગ જ ભાવથી જોડાયેલા હોય છે. કરાર આધારિત ભરતીના કારણે શિક્ષકો એક જ શાળા સાથે જોડાઈ રહેવાના બદલે થોડા થોડા સમયે શાળા બદલે એવી શક્યતાઓ વધી જતી હોય છે. આ સ્થિતિમાં બાળકના માતા-પિતાની ભૂમિકા ભજવતા શિક્ષકો બદલાય તો એ શિક્ષણ પર પણ અસર થશે. આથી શિક્ષણમાં કરાર નહીં ચાલે અને કાયમી ભરતીની માંગ સાથે અમારું આંદોલન જારી રહેશે. આ અગાઉ ગ્રાન્ટેડ શાળાઓના આંદોલનોમાં શિક્ષકોએ થાળી વેલણ ખખડાવી શાળા બહાર દેખાવો, વાલીઓને શાળામાં બોલાવી સરકાર તેમના બાળકોના શિક્ષણને લઈ કેટલી ઉદાસીન છે તે અંગે સરકારની નિષ્ફળતા વર્ણવી પોતાનો વિરોધ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:46 pm, Sat, 23 September 23