અમદાવાદના(Ahmedabad)પૂર્વ વિસ્તારમાં ઓછા વજનના એલપીજી ગેસ સિલિન્ડર ગ્રાહકોને પધરાવવાનું કૌભાંડ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખ્સોને ઇસનપુર પોલીસે ઝડપ્યા છે. આ ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ સામે આવ્યું છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા ઇસનપુર પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
કૌભાંડમાં પોલીસ 3 આરોપીને કસ્ટડીમાં લીધા છે. જે ત્રણેય આરોપીઓમાં મુખ્ય રાજુ શ્રીવાસ છે. જે મૂળ વટવા વિસ્તારનો રહેવાસી છે. અને ગેસ એજન્સી ના લાયસન્સની આડમાં કોમર્શિયલ અને ઘરેલું ગેસ સિલેન્ડર માંથી ગેસ ચોરી કરી અન્ય સિલિન્ડરોમાં ટ્રાન્સફર કરી લાખો રૂપિયા કમાતો. જોકે અન્ય બે આરોપી સતેન્દ્ર સિંહ શ્રીવાસ અને અજય યાદવ તેના જ પરિચિત મિત્રો હતા. જેઓ પણ આ ગેસ સિલિન્ડરો ને ખાલી કરી વેચવામાં મદદગારી કરતા હતા.
જે ત્રણેને પોલીસે ઝડપી પાડ્યા. તો પોલીસે 248 જેટલા ભરેલા અને ખાલી ગેસ સિલિન્ડર કબજે કર્યા છે. જે કબ્જે કરાયેલ ગેસ સિલિન્ડરની અંદાજિત કિંમત 5 લાખથી વધુની માનવામાં આવી રહી છે. તેમજ રીફલિંગ કરવા ઉપયોગમાં લેવાતા સાધનો અને મોટર પણ કબજે કરી. જેનાથી સાબિત થયું કે આરોપીઓએ બનાવેલ ગોડાઉનમાં તેઓ ગેસ સિલિન્ડર રીફલિંગ કરવાનું કામ કરતા હતા.
અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી ચંડોળા તળાવ પાસે કોમર્શિયલ ગેસ સીલીન્ડર અને ઘરેલું ગેસ સિલિન્ડર ગેરકાયદેસર રીતે વેચવાનું કૌભાંડ ચાલતું હતું. જે અંગે ઇસનપુર પોલીસ ને ચોક્કસ હકીકત મડી કે ચંડોળા તળાવ પાસે કે જી એનની ગલીમાં કૌભાંડ ચાલી રહ્યું છે. જે આધારે પોલીસે રેડ કરી અને 248 ગેસ સિલિન્ડર કબજે કર્યા છે.
તેમજ ૩ શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં રહેલા આ ત્રણે આરોપીઓ છેલ્લા એકાદ વર્ષ થી ગેસ સિલિન્ડર ચંડોળા તળાવ પાસે રાખતા હતા અને ત્યાંથી જ રીફલિંગ કરી અલગ અલગ જગ્યાએ વહેંચણી કરતા હોવાનું પણ સામે આવ્યું છે.હાલ તો ગેસ સિલિન્ડરના આ કૌભાંડનો પર્દાફાશ કરવામાં ઈસનપુર પોલીસને સફળતા મળી છે.
એટલું જ નહીં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1500 થી 2000 રૂપિયામાં વેચતો હોવાનું પણ સામે આવ્યુ છે. ત્યારે સવાલ એ થાય છે કે ચંડોળા તળાવ પાસે આટલી મોટી માત્રામાં ગેસ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા ત્યાં કોઈ મોટી હોનારત કે બનાવ બન્યો હોત તો તેના માટે જવાબદાર કોણ ? બીજી તરફ આ ત્રણ આરોપી સિવાય અન્ય લોકો પણ અમદાવાદના કયા વિસ્તારમાં ગેસ સિલિન્ડર સપ્લાય કરતા હતા અને બીજા કયા આરોપીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા છે તે અંગે પણ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
આ પણ વાંચો : SURAT: રિક્ષામાં મુસાફરોના મોબાઈલ તફડાવી લેતો આરોપી પકડાયો
આ પણ વાંચો : Surat : ઉધના મગદલ્લા રોડ પર સોમનાથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનમાંથી રૂપિયા 18.68 લાખની ચોરી કરી તસ્કરો ફરાર
Published On - 6:57 pm, Sat, 8 January 22