Ahmedabad: અમદાવાદના રખિયાલમાં 50 વર્ષના એક આધેડે વિકૃતિની તમામ હદો વટાવી છે. 50 વર્ષિય આધેડે 72 વર્ષના વૃદ્ધા પર નજર બગાડી અને દુષ્કર્મ આચર્યુ અને વૃદ્ધાએ પહેરેલા સોનાના દાગીના લૂંટી ફરાર થઈ ગયો હતો. સમગ્ર માનવજાતને શર્મસાર કરતી આ ઘટના બાદ રખિયાલ પોલીસ તેમજ ઇન્વેસ્ટીગેટીવ યુનિટસ ફોર કાઈમ અગેન્સ્ટ વુમન (IUCAW) ગાંધીનગર પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી
રાજ્યમાં યુવતીઓ પર બળાત્કારના કિસ્સાઓ અનેક વખત સામે આવતા હોય છે પરંતુ અમદાવાદમાં એક વિકૃત માણસ દ્વારા વૃદ્ધા પર બળાત્કારની શર્મનાક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આંબલીયા સ્મશાન નજીક 50 વર્ષના આધેડે પોતાના ઘરે જવા નીકળેલી 72 વર્ષીય વિધવા વૃદ્ધાને પોતાના હવસનો શિકાર બનાવી હતી. વૃદ્ધાને પોતાના બાઈકમાં બેસાડી અવાવરું જગ્યામાં લઈ ગયો હતો અને જ્યાં વૃદ્ધા પર બળાત્કાર કરી બળજબરી થી વૃદ્ધાએ પહેરેલા ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો.
સમગ્ર કિસ્સાની જાણ થતા રખિયાલ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સમગ્ર મામલાની તપાસ ઇન્વેસ્ટિગેટીવ યુનિટસ ફોર કાઈમ અગેન્સ્ટ વુમન (IUCAW) ગાંધીનગરને સોપવામાં આવી હતી. જે બાદ ગાંધીનગર પોલીસ અને રખિયાલ પોલીસની અલગ અલગ ટીમો આ બળાત્કાર અને લૂંટના આરોપીની શોધખોળ હાથ ધરી. પોલીસ દ્વારા વૃદ્ધાની ફરિયાદને આધારે આરોપીનો સ્કેચ પણ તૈયાર કરવામાં આવ્યો.
આ સ્કેચ ઉપરથી પણ પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ધરી હતી. જો કે વૃદ્ધાએ આપેલી ફરિયાદ મુજબ એક અજાણ્યો બાઈક વાળો કે જેની ઉંમર અંદાજિત 50 થી 60 વર્ષ હશે તેના દ્વારા દુષ્કર્મ કરી લૂંટ કરવામાં આવી હતી. પોલીસે વૃદ્ધાએ આપેલા સ્કેચ તેમજ બાતમીને આધારે 50 વર્ષીય આરોપી ગોવિંદભાઈ ગીરીશ અજનભાઇ ઝાલાની ધરપકડ કરી છે. આરોપી ગોવિંદ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના દખ્તેશ્વર ગામે રહે છે.
પોલીસે આરોપી ગોવિંદ ઝાલાને તેની બાઈક સાથે પકડી પાડ્યો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી ગોવિંદની પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેના વિરુદ્ધ અગાઉ પણ બાલાસિનોર પોલીસ મથક વિસ્તારમાં ગુનો નોંધાયો હતો. એટલે કે આરોપી ગોવિંદે અગાઉ પણ કોઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે ગુનાના કામે આરોપી ગોવિંદને સજા પડતા આરોપીને જેલમાં સજા ભોગવેલી હોવાનું પણ સામે આવ્યું હતું. હાલ તો પોલીસે ગોવિંદની અટકાયત કરી તેની વિરુદ્ધ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો