અમદાવાદની(Ahmedabad) મિલિટ્રી હોસ્પિટલની(Military Hospital) સુવિધામાં ઉમેરો થયો છે. જેમાં 16 મે 2023ના રોજ લેફ્ટનન્ટ જનરલ એ કે સિંહ, AVSM, YSM, SM, VSM. GOC-in-C,દક્ષિણી કમાન્ડ દ્વારા 76 બેડ મેડિકલ અને સર્જિકલ વોર્ડનો સમાવેશ કરતી નવી અત્યાધૂનિક ઇમારતનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને ફળોનું વિતરણ કર્યુ હતુ અને તેમને ઝડપી સાજા થવા માટે શુભેચ્છાઓ આપી હતી.
લેફ્ટનન્ટ જનરલ એ કે સિંહે સૈન્ય દળોને પૂરી પાડવામાં આવતી સારવાર માટે બ્રિગેડિયર સંજીવ કપૂર, કમાન્ડન્ટ મિલિટ્રી હોસ્પિટલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યાં હતા. બ્રિગેડિયર સંજીવ કપૂરે ઉમેર્યુ હતું કે આ ઇમારત સેન્ટ્રલ ઓક્સિજન સપ્લાય સિસ્ટમ અને અન્ય આધૂનિક માળખાગત સુવિધાઓથી સજ્જ છે, જે અસાધારણ આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડીને દર્દીઓને મળતી સારવારના સંતોષમાં વધારો કરશે.
મિલિટ્રી હોસ્પિટલ અમદાવાદની સ્થાપના 19મી સદીના પ્રારંભમાં બ્રિટિશ મિલિટ્રી હોસ્પિટલ તરીકે થઇ હતી. આ હોસ્પિટલ 1876-1887થી એક વિન્ટેજ બિલ્ડિંગ તરીકે કાર્યરત છે. તે ગુજરાત રાજ્યમાં અને તેની આસપાસ તમામ સેવારત સૈનિકો, માજી સૈનિકો અને તેમના પરિવારોને તબીબી કવચ અને તબીબી સેવાઓ પૂરી પાડે છે.
આ ઉપરાંત ભારતીય થલ સેનાના સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત લીધી હતી. લેફટનન્ટ જનરલ અજયકુમાર સિંહે નવેમ્બર-ર૦રરમાં સર્ઘન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ નો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા.
ભારતીય થલ સેનાના આ સર્ઘન કમાન્ડના વિસ્તારમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તાર દીવ-દમણ, દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાતમાં જનરલ ઓફિસર કમાન્ડીંગ 12 કોર લેફટનન્ટ જનરલ રાકેશ કપૂર તથા 11 રેપિડ-એચ ના જનરલ ઓફિસર કમાન્ડીંગ મેજર જનરલ સમશેરસિંહ વિર્ક પણ જોડાયા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો