Ahmedabad : અમેરિકામાં અભ્યાસ કરવા માટે જરૂરી GRE ની પરીક્ષા પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી(Fraud) કરતા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કૌભાંડ આચરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમને મળેલી એક રજૂઆતને આધારે સાયબર ક્રાઇમે તપાસ કરતા એક મોટું કૌભાંડ સામે આવ્યું છે.
સાયબર ક્રાઇમને માહિતી હતી કે એક કંપની દ્વારા વિદેશ જવા માટેની ઓનલાઇન પરીક્ષા પાસ કરાવી આપે છે અને તે કૌભાંડ સુરત થી ઓપરેટ થઈ રહ્યું છે.જેથી સાઇબર ક્રાઇમ ની ટીમ દ્વારા સુરતની એક હોટલમાં કે જ્યાં પરીક્ષાનું સંપૂર્ણ સેટઅપ ગોઠવાયેલું હતું ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસે આરોપીની પૂછપરછ કરતાં સામે આવ્યું કે જે તે વિદ્યાર્થી માટે એક હોટેલમાં સેટઅપ ગોઠવી આપવામાં આવ્યું હતું. ઓનલાઇન પરીક્ષામાં જે પ્રશ્નો પુછાઇ રહ્યા હોય તે પ્રશ્નોના ફોટા પાડી લઈ વ્હોટ્સએપથી અન્ય એક વ્યક્તિને મોકલવામાં આવતા હતા.
જે વ્યક્તિ પ્રશ્નોના જવાબો તાત્કાલિક લખીને મોકલતો જતો. બીજો વ્યક્તિ કે સેટઅપ પર હોય છે તે વ્હોટ્સએપથી મળેલા જવાબ ઓનલાઇન પરીક્ષામાં નિરીક્ષક જોઈ ન શકે તે રીતે લેપટોપની પાછળના ભાગે બેસી બ્લુટુથની કનેક્ટ કરેલા કીબોર્ડ વડે ટાઈપ કરતો હતો. જોકે લેપટોપની સામે બેઠેલા પરીક્ષાર્થીને ફક્ત ટાઈપિંગ કરવાની એક્ટિંગ જ કરવાની હતી જેથી સામેના નિરીક્ષકને શંકા જાય નહિ.
પોલીસે સમગ્ર કૌભાંડ આચરનાર આંધ્રપ્રદેશના ચેરલાના મહેશ્વરા ચેરલા તેમજ ઓનલાઇન પરીક્ષામાં પુછાયેલા સવાલોના જવાબો મોકલી આપનાર ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપૂડીને વડોદરા ખાતેથી પકડી પાડવામાં આવ્યા છે.
તેમજ સુરતમાંથી વોઈસ ઈમીગ્રેશન નામનું સેન્ટર ચલાવનાર સંચાલક સાગર હિરાણીની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પાંચ લેપટોપ, ત્રણ સીપીયુ, 7 મોબાઈલ ફોન સહિત 95 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ છેલ્લા એક વર્ષથી અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોમાં અભ્યાસ માટે જનારા વિદ્યાર્થીઓને આપવાની થતી TOEFL, IELTS, PTE, GRE જેવી પરીક્ષામાં વધારે માર્કસ લાવવા બાબતે છેતરપિંડી કરતા હતા અને છેલ્લા એક વર્ષમાં આરોપીઓએ 35 થી 40 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા અપાવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે.
કૌભાંડ કેસમાં ઝડપાયેલા આરોપી મહેશ્વરા ચેરલાએ બેચલર ઓફ સાયન્સનો પાર્ટ ટાઈમ કોર્સ ચાલુ કર્યો હતો અને છેલ્લાં 2 માસથી આંધ્રપ્રદેશથી વડોદરા આવીને રહેતો હતો. તેમજ TOEFL, GRE ની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓની ફી પોતાના ગુગલ પે એકાઉન્ટમાં મેળવી જુદી જુદી હોટલમાં વિદ્યાર્થીઓને બોલાવી પોતાનો ચહેરો દેખાય નહી તે રીતે ઓનલાઈન પરીક્ષા આપી છેતરપીંડી આચરતો હતો.
એક દિવસમાં બે થી ત્રણ વિદ્યાર્થીઓને પરીક્ષા અપાવતો અને એક અઠવાડિયામાં ત્રણ વાર પરીક્ષા થતી હોવાથી તે તમામ પરીક્ષામાં વિદ્યાર્થીઓને સેટઅપ પુરી પાડી પાસ કરાવવાનું કહીને એક વિદ્યાર્થી દીઠ 4 હજાર કમિશન મેળવતો હતો.બીજો આરોપી સાગર હિરાણી બેચલર ઓફ એન્જીનીયરીંગ આઈટી સુધીનો અભ્યાસ કર્યો છે.
વર્ષ 2020 થી મોટા વરાછા ખાતે વોઈસ ઈમીગ્રેશન નામથી ઓફિસ ધરાવી સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા, ડિપેન્ડન્ટ વિઝાનું કન્સલ્ટીંગનું કામ કરતો હતો. તે છેલ્લાં એક વર્ષથી TOEFL,GREની પરીક્ષાનું રજીસ્ટ્રેશન કરાવી પરીક્ષા પાસ કરાવવા માટે એક વિદ્યાર્થી દીઠ 15 હજાર રૂપિયા કમિશન મેળવતો હતો.
જ્યારે ત્રીજો આરોપી ચંદ્રશેખર ઉર્ફે રાહુલ કરલપુડીએ બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે અને તે છેલ્લાં 20 વર્ષથી વડોદરામાં રહે છે. તેમજ છેલ્લાં એક વર્ષથી TOEFL, GREની પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવી આપવા માટે ડમી માણસો રાખી અલગ અલગ એજન્ટો મારફતે 400 થી વધારે વિદ્યાર્થીઓને ઓનલાઈન પરીક્ષા અપાવી એક વિદ્યાર્થી દીઠ 35 હજાર રૂપિયા કમિશન લેતો હતો.
આ સમગ્ર ઓપરેશન પાર પાડવા માટે સાયબર ક્રાઈમે અલગ અલગ 20 થી વધુ પોલીસ કર્મીઓની ટીમ બનાવી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. હાલતો સાઇબર ક્રાઇમ દ્વારા તમામ આરોપીની પુછપરછ શરૂ કરી છે અને આ કૌભાંડ માં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તેમજ કેટલા વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરાવી વિદેશ મોકલી આપ્યા છે તે અંગે પણ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:16 pm, Wed, 28 June 23