અમદાવાદ (Ahmedabad) શહેરની ઓળખ સમાન સાબરમતી નદીની ભારે દુર્દશા જોવા મળે છે. નદીના શુદ્ધિકરણ પાછળ કરોડોના આંધણ બાદ પણ ઠેર ઠેર જળકુંભીનું સામ્રાજ્ય પથરાયુ છે. સાબરમતી(Sabarmati) નદીના શુદ્ધિકરણ પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)અને અન્ય વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ સાબરમતીના તાજેતરના દૃશ્યો તંત્રની કામગીરીની ચાડી ખાઈ રહ્યા છે. ખૂબ જ ઝડપથી ઉગી નીકળતી અને મોટા પ્રમાણમાં ફેલાઈ જતી જળકુંભી વનસ્પતિએ નદી પર જાણે કબજો કર્યો હોય તેવુ લાગી રહ્યુ છે. દૂર દૂર સુધી જ્યાં નજર કરો ત્યાં નદીમાં જળકુંભી જ પથરાયેલી જોવા મળે છે.
શહેરના સુભાષબ્રિજથી લઈ જમાલપુર બ્રિજ સુધીના પટ્ટામાં વિશાળ જળકુંભી પથરાઈ ગઈ છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયંકર દુર્ગંધ આવી રહી છે. આથી રિવરફ્રન્ટ પર આવતા સહેલાણીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. રિવરફ્રન્ટ પર લોકો ચોખ્ખી હવા માણવા માટે આવતા હોય છે, પરંતુ અહીં પણ જો પવનની લહેરની સાથે દુર્ગંધ જ સહન કરવાની હોય તો કોણ આવવાની હિંમત કરે તે પણ દેખીતી વાત છે. માત્ર દુર્ગંધ જ નહીં અહીં આ જળકુંભીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. એક તરફ ચોમાસાની સિઝન છે અને શહેરમાં રોગચાળાના કેસો પણ વધ્યા છે તો બીજી તરફ સાબરમતી નદીમાં પથરાયેલી જળકુંબીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ ઘણો વધ્યો છે. જેના લીધે હવે મચ્છરજન્ય રોગમાં વધારો થાય તો પણ નવાઈ નહીં.
છેલ્લા ત્રણ વર્ષમાં સાબરમતી નદીના શુદ્ધિકરણ પાછળ 282.17 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, જેમાં અટલ મિશન ફોર રીજુવેન્શન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન હેઠળ 27.5 કરોડનો ખર્ચ કરાયો. જ્યારે નેશનલ રિવર કોન્સર્વેશન પ્લાન હેઠળ 151 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ 5.71 કરોડનો ખર્ચ સાબરમતીના શુદ્ધિકરણ માટે કર્યો છે. સ્ટેટ સ્વર્ણિમ સ્કીમ હેઠળ 24.28 કરોડનો ખર્ચ કરાયો છે, તો ASIDE સ્કીમ હેઠળ રાજ્ય-કેન્દ્ર સરકાર ટેક્સ્ટાઇલ એસોસિએશને 73.68 કરોડનો ખર્ચ કર્યો છે. ત્યારે ત્રણ વર્ષમાં સાબરમતીના શુદ્ધિકરણ પાછળ ખર્ચાયેલા 282.87 કરોડ પાણીમાં ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ તો દુર્ગંધ મારતી આ જળકુંભીની સમસ્યાનો નિકાલ ક્યારે કરાશે તે જોવુ રહ્યુ.