
Ahmedabad: રવિવારે સાંજે 6 વાગ્યાથી વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. જેમાં 4 થી 5 કલાકમાં જ 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળે અસહ્ય ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કરા તેમજ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદ દરમિયાન વિવિધ સ્થળોએથી નુકસાનીની પણ તસવીરો સામે આવી. જેમા વરસાદ દરમિયાન શહેરમાં પાણી ભરાવા, વૃક્ષો ધરાશાયી થવા, ભુવા પડવા, મકાનની છત પરથી પતરા ઉડવાની વ્યાપર ફરિયાદો સામે આવી હતી. સૌથી વધુ પૂર્વ વિસ્તારમાં ઝાડ પડવાના ફાયર બ્રિગેડને કોલ મળ્યા હતા. જ્યારે વરસાદ દરમિયાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બે બનાવ અને લિફ્ટ બંધ પડતા અનેક લોકો ફસાયાનો કોલ મળ્યો હતો.
બે દિવસ પહેલા શહેરમાં પડેલા વરસાદમાં ફાયર બ્રિગેડને કંટ્રોલરૂમમાં 40 થી વધુ સ્થળો પર ઝાડ પડવાના કોલ નોંધાયા હતા. માવઠાના વરસાદ દરમિયાન ફાયર બ્રિગેડને મળતા કોલમાં વધારો નોંધાયો છે. વધતા કોલ સામે કેટલાક લોકો દ્વારા ટાઈમપાસ કરવા તેમજ ખોટા કોલ કરવામાં આવતા કામગીરીમાં વિલંબ થાય છે. જેને લઈને ફાયર બ્રિગેડ કંટ્રોલરૂમ દ્વારા શહેરીજનોને ઈમરજન્સી નંબર પર ફેક કોલ કરી ખોટી રીતે ટાઈમપાસ ન કરવા અપીલ કરાઈ છે.
શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાવા અને ભુવા પડવાથી લોકોને હાલાકી સર્જાઈ હતી. અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. કોર્પોરેશનના મોનસુન કંટ્રોલ રૂમમાં વરસાદ દરમિયાન ઝાડ પડવાના ત્રણ કોલ નોંધાયા જ્યારે પાણી ભરાવાના બે કોલ મળ્યા હતા. કોર્પોરેશનના મોનસુન કંટ્રોલરૂમમાં ડેટા કલેક્શન કરીને જે તે વિભાગને ધ્યાન દોરી વરસાદ દરમિયાન કામગીરી કરવામાં આવી હતી હતી.
શહેરમાં વરસાદના ડેટા પર નજર કરીએ તો પૂર્વ ઝોનમાં 2 ઈંચ વરસાદ પડ્યો. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3 ઈંચ વરસાદ પડ્યો. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 3 ઈંચ વરસાદ પડ્યો. મધ્યઝોનમાં 3 ઈંચ ઉપર વરસાદ પડ્યો. ઉત્તર ઝોનમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો. દક્ષિણ ઝોનમાં બે ઈંચ ઉપર વરસાદ પડ્યો.
આ પણ વાંચો : Ahmedabad : વરસાદે ખોલી AMC તંત્રની પોલ, ગુલબાઈ ટેકરા ખાતે ભૂવામાં ખાબકી કાર, જુઓ Video
અમદાવાદમાં માવઠાને કારણે ચાર જેટલી ફ્લાઈટ પણ ડાયવર્ટ કરવી પડી હતી. ભુવનેશ્વરની ફ્લાઈટને ઈન્દોર ડાયવર્ટ કરાઈ જ્યારે મુંબઈ અને ઉદયપુરની ફ્લાઈટ પરત મુંબઈ અને ઉદયપુર ડાયવર્ટ થઈ હતી. જ્યારે એક ફ્લાઈટ વડોદરા ડાયવર્ટ થઈ હતી. હવામાન ખરાબ હોવાને કારમે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી.
ઈનપુટ ક્રેડિટ- દર્શલ રાવલ- અમદાવાદ
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો