ગુજરાત ભરમાં ચાઈનીઝ દોરીના કારણે જીવન નહીં ડોર કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે બાળકોમાં ચાઈનીઝ દોરીને લઈ જાગૃતતા આવે તે માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. શાળાઓ માટે પરિપત્ર કરી વિદ્યાર્થીઓને ચાઈનીઝ દોરી તેમજ તુકકલનો ઉપયોગ નહીં કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.
રાજ્યમાં ચાઈનીઝ દોરીના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત તેમ જ કેટલાકનો જીવન દોર કપાયો છે ત્યારે ઉતરાયણને સૌથી વધુ માણતા બાળકોમાં જાગૃકતા લાવવા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ નવા અભિયાનની શરૂઆત કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક પરિપત્ર કરી તમામ શાળાઓને બાળકોને ચાઈનીઝ દોરી અને તુક્કલ નહિ વાપરવાની પ્રતિજ્ઞા લેવડાવવા સૂચન કર્યું છે જેના ભાગરૂપે ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી નવા વાડજ ની એક શાળામાં પહોંચ્યા. જ્યાં તેમણે શાળાના બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી કે તેઓ ઉત્તરાયણ માં ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરે. તેમજ આજુબાજુના લોકોને પણ ચાઈનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા જાગૃતતા લાવવાનું કામ કરશે.
આ સાથે જ બાળકોને પર્યાવરણનું મહત્વ અને ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે પણ જાગૃત કરાયા હતા. અમદાવાદ શિક્ષણ અધિકારી આર એમ ચૌધરીએ જણાવ્યું હતું કે બાળકો માં જાગૃતિ આવવી જરૂરી છે. ગ્રીન ટ્રીબ્યુનલના નિર્દેશ મુજબ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ના થવો જોઈએ, તેનાથી મનુષ્યો સાથે પશુ-પક્ષીઓ અને પર્યાવરણને પણ નુકશાન થાય છે.અગાઉ ગુજરાત હાઈકોર્ટેમાં સુનાવણી દરમિયાન કોર્ટે નિર્દેશ કર્યા હતા કે ચાઈનીઝ દોરીથી થતી ઘટનાઓ રોકવી.. તો ચાઈનીઝ દોરી ના ઉપયોગ અંગે જાગરૂકતા લાવવા માટે શાળા-કોલેજોમાં કાર્યક્રમો કરવા માટે પણ જણાવવામાં આવ્યું હતું
Published On - 7:40 pm, Tue, 10 January 23