અમદાવાદ: રામોલમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત, નિવૃત પોલીસ અધિકારી અને તેના પુત્રની ધરપકડ

Ahmedabad: રામોલમાં સાસરિયાના ત્રાસથી કંટાળીને પરિણિતાએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સુસાઈડ નોટને આધારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓમાં મૃતકના સસરા નિવૃત પોલીસ અધિકારી છે, જ્યારે તેમના પતિ ટોલટેક્સમાં નોકરી કરે છે.

અમદાવાદ: રામોલમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત, નિવૃત પોલીસ અધિકારી અને તેના પુત્રની ધરપકડ
આરોપી પિતા-પુત્ર
| Edited By: | Updated on: Jan 02, 2023 | 7:52 PM

અમદાવાદના રામોલ વિસ્તારમાં એક પરિણીતાએ સાસરીયાના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર બાબતને લઇને મૃતક પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવતા પોલીસે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓમાં નિવૃત પોલીસ અધિકારી અને તેનો પુત્ર સામેલ છે. પરિણીતાએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટમાં પોતાની આપવિતી લખી હતી. જે પુરાવાના આધારે તમામ ગુનામાં સામેલ લોકોની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.

દહેજના ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ

રામોલના ઉમિયાનગરમાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે પીન્ટુ ચૌહાણ સાથે આપઘાત કરનાર યુવતીના લગ્ન 2020માં થયા હતા, લગ્નના 4 મહિના બાદથી તેના પતિ, સાસુ-સસરા દ્વારા અવારનવાર તેની સાથે ઝઘડો કરીને દહેજની માગ કરવામાં આવતી હતી અને તેને શારીરિક માનસિક ત્રાસ પણ અપાતો. યુવતીનો ભાઈ આર્મીમાં નોકરી કરે છે. છતાં દહેજમાં કંઈ ન આપ્યું તેવા મહેણા મારીને તેના પતિ, સાસુ અને સસરા તેને અવારનવાર હેરાન કરતા હતા. જેના કારણે 30 ડિસેમ્બર 2022 ના રોજ રાત્રિના સમયે પરિણીતાએ પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

મૃતકના સસરા નિવૃત પીઆઈ અને પતિ ટોલટેક્સમાં નોકરી કરે છે

જોકે આત્મહત્યા પહેલા પરિણીતાએ લખેલી સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેણે સાસરિયાઓના ત્રાસથી કંટાળી આ પગલું ભરતી હોવાનો ઉલ્લેખ કરતા રામોલ પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ ચૌહાણ, ગુલાબસિંહ ચૌહાણ અને સુશીલાબેન ચૌહાણ સામે આત્મહત્યા દુષ્પ્રેરણનો ગુનો નોંધાતા પોલીસે યુવતીના પતિ અને સસરાની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ ગુનામાં ઝડપાયેલા પરિણીતાના સસરા ગુલાબસિંહ ચૌહાણ ગુજરાત પોલીસમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે અને હાલ નિવૃત જીવન ગુજારે છે. જ્યારે તેનો પતિ ટોલટેક્સમાં નોકરી કરે છે. હાલ તો પોલીસે બંને આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસે પિતા પુત્રની તો ધરપકડ કરી લીધી છે જોકે મૃતકનાં સાસુ મળી ન આવતા તેને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જોકે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી પતિ અગાઉ પણ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી ચૂક્યો હતો અને તેને સંતાનમાં એક પુત્રી પણ છે અને હાલ જે પત્નીએ આપઘાત કર્યો તે તેની બીજી પત્ની હતી.

Published On - 7:49 pm, Mon, 2 January 23