અમદાવાદ : શોર્ટકટથી પૈસા કમાવવા મકાન માલિક અને ભાડુઆતે નશાકારક સિરપ બનાવવાનો ઘડ્યો પ્લાન, સિરપ વેચે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

એક તરફ ખેડા જિલ્લામાં નશાકારક પદાર્થ પીવાથી પાંચ લોકોના મોત નિપજ્યા છે ત્યારે આવી જ અન્ય નશાકારક સિરપ બનાવવાનો જથ્થો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. નશાકારક સિરપ બનાવવા માટે વપરાતા કાચો માલ એટલે કે સિરપ અને ટેબલેટના જથ્થા સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને પૂછપરછ કરતા ચોકાવનારી હકીકતો પણ સામે આવી છે.

અમદાવાદ : શોર્ટકટથી પૈસા કમાવવા મકાન માલિક અને ભાડુઆતે નશાકારક સિરપ બનાવવાનો ઘડ્યો પ્લાન, સિરપ વેચે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ
| Edited By: | Updated on: Dec 01, 2023 | 5:36 PM

યુવાધનને બરબાદ કરવા માટે ડ્રગ્સ બાદ હવે નશાકારક સિરપ પણ બજારમાં ખુલ્લેઆમ વેચાઈ રહી છે. જોકે આવી નશાકારક સિરપનાં વેચાણ ઉપર પોલીસ પણ વોચ રાખીને બેઠી છે અને કાર્યવાહીઓ કરી રહી છે, ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માહિતીને આધારે નશાકારક કફસિરાપ બનાવવામાં જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કફ સિરપ બની અને વેચાણ થાય તે પહેલા જ તેના કાચા માલ ને પકડી પાડ્યો છે.

ક્રાઈમ બ્રાંચે 49 નંગ Nitrazepam ટેબ્લેટનો જથ્થો કર્યો જપ્ત

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માહિતીના આધારે દાણીલીમડા વિસ્તાર માથી મુજાહિદ ઉર્ફે મોઈન પઠાણની ધરપકડ કરી છે. તેની પાસેથી ડ્રાય કફ માટે વપરાતું મેટાહિસ્ટ- એસ નામના સિરપનો 18 લિટર અને એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત 49 નંગ Nitrazepam ટેબ્લેટનો જથ્થો પકડી પાડયો છે. આ ઉપરાંત મેટાહીસ્ટ-એસ અને નાઈટ્રાઝીપામ ટેબલેટના મિશ્રણ વાળું શંકાસ્પદ પ્રવાહી પણ પોલીસે કબજે કર્યું છે. તેમજ રેક્સોડેકસ નામની કફ સિરપના સ્ટીકર પણ પોલીસને મળી આવ્યા છે.

મુજાહિદ્દે આર્થિક સંકડામણમાં હોવાથી નશાકારક સિરપ બનાવી વેચવાનું વિચાર્યુ

નશાકારક કફ સિરપ બનાવવાના જથ્થા સાથે પકડી પાડેલા મુજાદિન નામના આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી મુજાદિન આર્થિક સંકડામણમાં હતો અને પોતે પણ નશો કરવાની ટેવ ધરાવતો હતો. જલ્દી પૈસા કમાવવા માટે તેણે નશાકારક કફ સિરપ બનાવી તેનો વેચાણ કરવાનું વિચાર્યું હતું. નશાકારક કફ સિરપ બનાવવા તેણે પોતાના ભાડુઆત સૈફુદીન નાગોરીની મદદ લીધી હતી. સૈફુદીન નાગોરી ખમાસા ખાતે આવેલા દેસાઈ મેડિકલ સ્ટોર માંથી મેટાહિસ્ટ-એસ નામનું ડ્રાય કફ માટે વપરાતું સિરપ ખરીદી કર્યું હતું અને તે સિરપને વધુ નશાકારક બનાવવા જુહાપુરામાં આવેલા મેડમેક્સ નામની દવાની દુકાનમાંથી કોઈપણ પ્રિસ્ક્રીપ્શન વગર 50 નંગ NITRAZEPAM ટેબ્લેટ ખરીદી હતી. જોકે જુહાપુરામાં આવેલી મેડીમેક્સ નામની હોલસેલ દવાની દુકાનમાં કામ કરતો હતો. જેથી તેણે ત્યાંથી પ્રતિબંધિત દવા પોતાના જ નામે બિલ બનાવી પોતે ખરીદ કરી હતી. જે બાદ આ બંને ટેબલેટ અને સિરપનું મિશ્રણ કરી તેને નાની બોટલોમાં ભરી તેનું વેચાણ કરવાના હતા પરંતુ તે પહેલા તેઓ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે પકડાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો:  જુગારધામ પર રાજકોટ પોલીસની તવાઇ, 2 દિવસમાં હાઈપ્રોફાઈલ જુગારના અડ્ડા અને 50 જુગારી ઝડપાયા, જુઓ વીડિયો

ભાડુઆત સૈફુદ્દીન સાથે મળી બનાવવાનો હતો નશાકારક સિરપ

આરોપી મુજાહિદ શોર્ટકટમાં પૈસા કમાવા માટે તેના જ ભાડુઆત સૈફુદીન સાથે મળી અને નશાકારક કફ સિરપ બનાવવાનો હતો. હાલ તો પોલીસે મુજાહિદની ધરપકડ કરી છે, જ્યારે શેફુદીન નાગોરીને પકડવા અલગ અલગ ટીમ બનાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે સૈફુદીન જે મેડિકલ સ્ટોરમાં કામ કરતો હતો ત્યાં એનડીપીએસ પ્રતિબંધિત દવા કઈ રીતે વેચાણ થતી હતી, સૈફુદિંને આ દવાને કઈ રીતે મેળવી હતી, આ ઉપરાંત મેડિકલ સ્ટોરમાંથી પણ અન્ય કોઈ જગ્યા ઉપર આ પ્રતિબંધિત દવાઓ આપવામાં આવતી હતી કે કેમ અને મોઝાહિદ અને સૈફુદીને સાથે મળીને અગાઉ કોઈ નશાકારક સિરપ બનાવ્યું છે કે કેમ, આ તમામ મુદ્દાઓને લઈને હવે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:17 pm, Thu, 30 November 23