અમદાવાદ મહાનગર પાલિકાની ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં ચાલી રહેલી સફાઇ- ઝુંબેશ અને ડસ્ટબિન વિતરણ અંગે વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આ બેઠકમાં શહેર સુખાકારીના કરોડો રૂપિયાના વિકાસ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે માહિતી આપતા જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં એસ્ટેટ ખાતુ, ઈ-ગવર્નન્સ ખાતુ, પ્લાનિંગ ખાતુ, સેન્ટ્રલ મેડીકલ સ્ટોર્સ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ, રોડ એન્ડ બિલ્ડીંગ, અને હોસ્પિટલ કમિટીના કામોને મંજૂરી આપી છે.
ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા રજૂ થયેલ કામ પૈકી અમદાવાદ કોર્પોરેશનના વિભાગોમાં કોમ્પ્યુટર ઓપરેટર/ડેટા એન્ટ્રી ઓપરેટરનો મેન પાવર આઉટસોર્સ કરવા માટે રૂપિયા 180 લાખની મર્યાદામાં કામગીરી કરવા તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આધાર કેન્દ્રો પર 60 નંગ આધારકીટ રૂપિયા 100 લાખથી વધુના ખર્ચે ખરીદ કરવાના કામને મંજુરી આપવામાં આવી.
વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉત્તર પશ્ચિમ ઝોન, પશ્ચિમ ઝોન અને ઉત્તર ઝોનના જુદા જુદા વોર્ડોમાં પમ્પહાઉસ સાથેની ભૂગર્ભ ટાંકી, ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન તેમજ બ્રેકડાઉન રીપેરીંગ જેવા વિવિધ કામો કરવા માટે કુલ રૂપિયા 1261 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ થયેલ કામો પૈકી ઉતર અને ઉત્તર પશ્ચિમ ઝોનના જુદા જુદા વોર્ડમાં આર.સી.સી. રોડ બનાવવા તથા પેવર બ્લોક લગાવવા, નિભાડાના પથ્થર લગાવવા, મ્યુ. સ્કુલ તથા હોલના બિલ્ડીંગોને જરૂરી રીનોવેશન કરવા તથા સ્ટ્રીટલાઈટના મેઇન્ટેનન્સ માટે 100 કી.મી. એલ્યુમ્યુનિયમ આર્મ્ડ કેબલ ખરીદવા માટે કુલ રૂપિયા 458 લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
ઉપરાંત, હોસ્પિટલ કમિટી દ્વારા શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ અને શા.ચી.લા. જનરલ હોસ્પિટલના રેડિયોલોજી વિભાગની જરૂરિયાત માટે રૂપિયા 1373 લાખ થી વધુના ખર્ચે 2 નંગ સીટીસ્કેન મશીન ખરીદ કરવાના કામને મંજુરી આપવામાં આવી.