Ahmedabad: દેશની આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે સમગ્ર દેશમાં ‘મેરી મિટ્ટી મેરા દેશ’ કાર્યક્રમ આયોજિત કરાયો છે. જે અંતર્ગત શુક્રવારે સમગ્ર ગુજરાત રાજ્યથી એકત્રિત કરવામાં આવેલ માટીના કળશ અમદાવાદમાં લાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાત કોંગ્રેસે મણીપુરની માટી ગુજરાત મંગાવી છે. મણિપુરથી મંગાવવામાં આવેલ માટીનો કળશ ભાજપ પ્રદેશ કાર્યાલય કુરિયર કરી માંગ કરાઈ છે કે આ માટીને પણ દિલ્હી મોકલવામાં આવે.
દેશ માટે બલિદાન આપનાર વીરો માટે સમર્પિત મારી માટી મારો દેશ અભિયાન હેઠળ શહીદોના વતનની માટી સમગ્ર દેશમાંથી લાવી દિલ્હી મોકલવામાં આવનાર છે. ગુજરાતના વિવિધ ગામડાઓથી કળશમાં આવેલ માટી અમદાવાદ રિવરફ્રન્ટ પર શુક્રવારે લવાઈ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે મણિપુરથી માટી મંગાવી છે. મણીપુરથી મંગાવવામાં આવેલ માટી કળશમાં ભરી ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને કમલમ મોકલવામાં આવી છે.
કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના નામથી થયેલ કુરિયરમાં મણિપુરની માટી છે. કોંગ્રેસ ઈચ્છે છે કે સમગ્ર દેશની માટી દિલ્હી અમૃતવન માટે પહોંચી રહી છે તો મણિપુરની માટી પણ જવી જોઈએ. કોંગ્રેસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને અપીલ પણ કરી છે કે તેઓ મણિપુરની માટી દિલ્હી મોકલાવે.
મણીપુરથી માટી મંગાવી ભાજપ પ્રદેશ અધ્યક્ષને મોકલવા અંગે કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું કે એક રાજ્ય તરીકે ગુજરાત જેટલું જ મણિપુરને મહત્વ મળેલું છે. ત્યારે મણીપુરની માટી પણ દિલ્હીમાં પહોંચવી જોઈએ. હાલ મણીપુરને અશાંત રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે, ત્યાં વિગ્રહના કારણે 500 કરતા પણ વધારે લોકોના મૃત્યુ થયા છે. સરકારની નિષ્ફળતાના કારણે આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે.
અમે આ માટી મોકલાવી આદિવાસી સમાજ પર થતો અત્યાચાર બંધ થાય એવો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ. રૂબરૂ માટી આપવા જવાને બદલે કુરિયર કરવા અંગે કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું કે હાલની સ્થિતિમાં વિરોધપક્ષની રાજનીતિ સરળ નથી રહી. વડાપ્રધાન કે ગૃહમંત્રી આવવાના હોય ત્યારે જે તે વિસ્તારના કોંગ્રેસ કાર્યકરોને નજરબંધ કરી લેવામાં આવે કરી દેવાય છે. અમે રૂબરૂ જઈએ તો સંઘર્ષ ઉભો થઇ શકે, એને ટાળવા માટે કુરિયર કરાયું છે.
આ તરફ ભાજપના પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ કોંગ્રેસ પર પલટવાર કર્યો. ચાવડાએ જણાવ્યુ કે જ્યારે પણ સારુ કામ થતુ હોય ત્યારે તેમા રોડા નાખવા એ કોંગ્રેસની આદત છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો