
બાપ દીકરીના સંબંધોને શર્મશાર કરતો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે. એક પિતાએ જ પોતાની દીકરીને શારીરિક અડપલા કરી માતાને પણ ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઈ છે. જોકે માતાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે પિતાની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં માતાએ પોતાની નવ વર્ષની સગીર વયની પુત્રી સાથે તેના જ સાવકા પિતાએ શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાીવી છે. જોકે માતાની ફરિયાદના આધારે પોલીસે આ સાવકા પિતાની ધરપકડ કરી લીધી છે. પિતાની નજર ખરાબ થઈ હોયએમ 9 વર્ષની માસૂમ દીકરી પર જ તેણે અડપલા કર્યા હતા અને સંબંધ લજવ્યા છે.
ઘટનાની હકીકત એવી છે કે થોડા દિવસ અગાઉ માતા પિતા અને દીકરી ઘરે હતા, ત્યારે જ આ અડપલા કર્યા હતા. સાવકા પિતાએ દીકરીને અન્ય રૂમમાં લઈ જઈને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. દીકરીએ પિતાની હરકત માતા સમક્ષ વર્ણવતા સમી સમી ઉઠી હતી. માતાએ તેના પતિને ઠપકો આપતા પતિએ પત્નીને પણ ઘાક ધમકીઓ આપી હતી. આખરે પત્નીએ તેના પતિ વિરુદ્ધ વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ વટવા પોલીસે હવે પોસ્કો એક્ટ મુજબ કાર્યવાહી શરુ કરી છે. આરોપીને પણ પોલીસે ધરપકડ કરીને ઘટનાના પૂરાવા એકઠા કરવા તજવીજ હાથ ધરી છે.
ફરિયાદી પત્ની અને આરોપી પતિ છેલ્લા બે વર્ષથી લગ્ન કરી સાથે રહેતા હતા. આરોપી પતિ વટવા વિસ્તારમાં કારખાનું ચલાવે છે અને પત્ની ઘરકામ કરે છે. પત્નીના આગલા લગ્ન થકી દીકરી જન્મી હતી અને તે સાથે લઈને આવી હતી. જોકે સાવકા બાપે પોતાની હવસનો શિકાર આ દીકરીને જ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. નવ વર્ષની સગીર દીકરી પિતાની આ હરકતો સમજે વિચારે તે પહેલા જ પિતાએ શારીરિક અડપલા કર્યા હતા. સમગ્ર કિસ્સો સામે આવતા આખરે પત્નીએ પોલીસ મથક પહોંચી સમગ્ર હકીકત વર્ણવી ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પત્નીની ફરિયાદના આધારે પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published On - 8:56 pm, Mon, 16 October 23