
Ahmedabad: અમદાવાદ શહેરમાં દિવસે દિવસે ચોરી-લૂંટ- જેવા ગુનાઓ વધી રહ્યા છે. નારણપુરા વિસ્તારમાં રહેતા એક યુવકને ઓનલાઈન જોબ અપાવવાના નામે ઈન્ટરવ્યુ માટે બોલાવી માર મારી લૂંટારૂ ટોળકીએ લૂંટી લીધો હતો. યુવકની ફરિયાદને આધારે પોલીસે લૂંટારૂ ટોળકીના 5 ઈસમોને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પકડમાં આવેલા આરોપી ઉદિત પંચાલ, મહાવીર પંચાલ ઉર્ફે હુકમ પરમાર, રાહુલ પવાર, અનિલ મકવાણા અને તુષાર ઉર્ફે ગુગો મકવાણાએ મળી નોકરી વાંચ્છુક યુવકને ઈન્ટરવ્યુ આપવાના બહાને બોલાવી લૂંટી લીધો હતો.
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર ઘાટલોડિયામાં રહેતો 37 વર્ષીય નરેશ બાબુભાઈ પટેલે ઓનલાઇન બ્લડ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. આ એપ્લિકેશનના માધ્યમથી નોકરી ઈચ્છુકો નોકરી માટે એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે.
આરોપી ઉદિત પંચાલે ફરિયાદી નરેશ પટેલને મેસેજ કર્યો અને નોકરી ઓફર આપી હતી. જેને લઈ ફરિયાદી નરેશને નારણપુરા AEC ચાર રસ્તા પાસે નોકરીના ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યો હતો. જે બાદ વૃંદાવન એંક્લોવ કોમ્પ્લેક્ષમાં આરોપી ઉદિત પંચાલ ફરિયાદી નરેશને લઈ ગયો. જ્યાં અન્ય ચાર જેટલા શખ્સો ઉભા હતા અને છરી જેવા હથિયાર બતાવી નરેશની સોનાની ચેઇન અને રોકડ મળી 68 હજાર લૂંટીને ફરાર થઈ ગયા હતા. નારણપુરા પોલીસે ગુનો નોંધી આરોપીના મોબાઇલ લોકેશનના આધારે પાંચેય આરોપીની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પકડાયેલ પાંચેય આરોપીઓની ઉંમર માત્ર 22 વર્ષની છે પરંતુ શોર્ટકટમાં પૈસા કમાવવાની લાલચમાં ગુનો કરવાનું શરૂ કર્યું છે. પાંચ આરોપી પૈકી મુખ્ય આરોપી ઉદિત પંચાલ ડિપ્લોમા અભ્યાસ કરે છે પણ તેનો મિત્ર આરોપી મહાવીર ઉર્ફે હુકમ પરમાર મારમારી કેસમાં જેલમાં ગયો હતો. જ્યાં મહાવીરને એક આરોપી સાથે જેલમાં સંપર્ક થયો અને પૈસા કમાવવા માટે એપ્લિકેશન માધ્યમથી કોઈને બોલાવી લૂંટ કરવાનું શીખવાડ્યું હતું. જેને લઈ આરોપી મહાવીરે લૂંટ કરવા આરોપી ઉદિતને કહ્યું અને પાંચેય આરોપીઓ ભેગા મળી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો અને ગુનાની શરૂઆત કરી પરતું પોલીસે પાંચેય આરોપી પકડી લઈ તમામ મુદ્દામાલ કબ્જે લઈ તપાસ શરૂ કરી છે.
પકડાયેલ આરોપીમાંથી મહાવીર ઉર્ફે હુકમ પરમાર અને રાહુલ પવાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પાંચેય શખ્સોની ટોળકીએ અન્ય કોઈ નોકરી ઈચ્છુક યુવક ભોગ બનાવ્યા છે કે કેમ જેને લઈ આરોપી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો