Ahmedabad: પોલીસે બિહારમાંથી અંસારુલ હક ઉર્ફે મુન્ના ચૌહાણની ધરપકડ કરી છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી મુન્ના ચૌહાણ ઉપરાંત તેમની સાથે જોડાયેલા મુસ્તાક અન્સારી, દિનેશ યાદવ અને વિદ્યાસાગર દ્વારા અમદાવાદના પાલડી વિસ્તારમાં નવેમ્બર 2022 થી એપ્રિલ 2023 સુધી એસ.ડી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામની ઓફિસ ખોલી હતી અને લોકોને ઓછા ખર્ચે વિદેશ મોકલી ઊંચા પગારે નોકરી અપાવવાની જાહેરાતો ન્યુઝ પેપરમાં કરવામાં આવી હતી.
કંપની દ્વારા વર્ક પરમીટ, વિઝા તેમજ કંબોડિયા દેશમાં ડ્રાઇવર, હેલ્પર, વર્કર સહિતની નોકરી અપાવવાની જાહેરાતો કરવામાં આવી હતી. જાહેરાતને આધારે રાજસ્થાનના સિકરી વિસ્તારના લોકોએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો. જેમાં કંબોડિયા ખાતે આવેલી ગિલ કંપનીમાં નોકરી આપવાનું કહેવામાં આવ્યું હતું અને એમ્પ્લોયમેન્ટ લેટર પણ આપ્યા હતા. જે બાદ તમામને અલગ અલગ તારીખોની ટિકિટો પણ મોકલવામાં આવી હતી. પ્રક્રિયાને અંતે આરોપીઓએ તમામના પાસપોર્ટ લઈ લીધા હતા અને ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા હતા. આમ આ ગેંગ દ્વારા અલગ અલગ 12 જેટલા લોકો સાથે 22 લાખથી વધુ રકમની છેતરપિંડી કરવામાં આવી હતી તેમજ તમામના પાસપોર્ટ પણ લઈ લેવામાં આવ્યા હતા.
પોલીસે બિહારથી મુખ્ય આરોપી પૈકીના મુન્ના ચૌહાણની ધરપકડ કરી છે અન્ય ત્રણ આરોપીઓ હજી ફરાર છે. પકડાયેલો આરોપી મુન્ના ચૌહાણ ફક્ત નવ ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. જે બાદમાં તેણે ટ્યુશન ક્લાસ શરૂ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હતો. આરોપી મુન્ના ચૌહાણ બે વર્ષ સાઉદી અરેબિયામાં પણ ડ્રાઈવર તરીકે નોકરી કરી હતી.
આ ગેંગ દ્વારા જે રીતે લોકો સાથે છેતરપિંડી કરી છે જેમાં રૂપિયાની સાથે તમામના પાસપોર્ટ પણ છીનવી લીધા છે. પોલીસને શંકા છે કે આ આરોપીઓ પાસપોર્ટ સાથે કોઈ ચેડા કરી અન્ય ગુનાહીત પ્રવૃતિમાં ઉપયોગ કરી શકે છે, જેને લઈને પકડાયેલા આરોપી મુન્ના ચૌહાણની એ દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય એક મુખ્ય આરોપી નેપાળ બોર્ડર પાસે રહે છે, જેથી પોલીસને એ પણ શંકા છે કે કદાચ અન્ય આરોપી નેપાળ ફરાર થઈ ગયો હોય શકે છે અથવા તો નેપાળમાં કોઈ અન્ય કામોમાં પણ આ પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે.
આ તમામ આરોપીઓ અલગ અલગ રાજ્યોના છે અને ભેગા મળી લોકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે. પોલીસ તપાસ કરી રહીં છે કે અમદાવાદ ખાતે ઓફિસ ભાડે રાખવામાં આવી હતી ત્યારે કોઈ સ્થાનિક વ્યક્તિ આ કેસમાં સંડોવાયેલા છે કે નહિ. આ ઉપરાંત રાજસ્થાનના જે લોકો ભોગ બન્યા છે તે ઉપરાંત ગુજરાત કે અન્ય રાજ્યોના કોઈ લોકો આ પ્રકારે ભોગ બન્યા છે કે નહિ. પોલીસે હાલતો મુન્ના ચૌહાણની ધરપકડ કરી અન્ય આરોપોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આ ગેંગ દ્વારા ગુજરાત સિવાય અન્ય ક્યા ક્યા રાજ્યોમાં આ રીતે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ ખોલી જાહેરાતો આપી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો