Ahmedabad: અમદાવાદમાં ફરી એક વખત આંગડિયાકર્મી સાથે લૂંટની ઘટના બની. ધોળા દિવસે ટ્રાફિકથી ધમધમતા એવા IIM રોડ પર આંગડિયાકર્મી લૂંટાયો. અકસ્માતના બહાને બંટી બબલીએ આંગડિયાકર્મી સાથે બબાલ કરી 25 લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા.
ઘટના એવી છે કે સિંધુભવન રોડ પર આવેલી બી.પટેલ ઈન્ફાસ્ટ્રક્ચરનો કર્મચારી વિજય ગોહિલ કંપનીના 25 લાખ રોકડ સીજી રોડ પર આવેલ વી.પટેલ આંગડિયામાંથી લઈ એક્ટિવા પર ઓફિસ જઈ રહ્યો હતો. એક્ટિવા પર વિજય સાથે કંપનીનો પટ્ટાવાળો વિરેન્દ્ર પણ હતો. આ બન્ને કર્મચારી IIM રોડ પરથી પસાર થતાં એક બાઇક પર મહિલા અને પુરુષ આવ્યા અને તેઓ અકસ્માત કેમ કર્યો તેવું કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ ઝઘડા દરમિયાન બંટી બબલીએ વીરેન્દ્રના હાથમાંથી 25 લાખ રોડક ભરેલ બેંગ લૂંટીને ફરાર થઈ ગયા. સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
લૂંટની ઘટનામાં પોલીસે તપાસ કરતા લૂંટારુ બંટી બંબલી સીસીટીવીમાં કેદ થયા હતા, જેમાં ફરિયાદી વિજય ગોહિલની એક્ટિવાનો લૂંટારુઓ પીછો કરતા સીસીટીવીમાં જોવા મળ્યા હતા. જોકે લૂંટારુંનું બાઇક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. જે બાઇકની નંબર પ્લેટ પર જય માતાજી લખેલું મળી આવ્યું હતું. લૂંટ કરનાર પુરુષ આશરે 45 વર્ષનો હતો અને હેલ્મેટ પહેર્યું હતું. જ્યારે મહિલા આરોપીએ પંજાબી ડ્રેસ પહેર્યો હતો.
આ બન્ને રોકડ ભરેલી બેંગ ઝૂંટવીને IIM બ્રિજથી રોંગ સાઈડથી પાંજરાપોળ તરફ બાઇક લઈ જઈને ફરાર થઇ ગયા હતા. આ લૂંટારુઓની મોડ્સ ઓપરેન્ડી પરથી છારા ગેંગ હોવાની શક્યતા વ્યક્ત કરી છે. કંપનીના કર્મચારી અને આંગડિયા પેઢીના કર્મીના નિવેદન લઈ પોલીસે જુદી જુદી ટીમ બનાવી લૂંટારું પકડવા તજવીજ હાથ ધરી છે.
લૂંટની ઘટનામાં પોલીસ સ્ટેશનની હદનો વિવાદ સામે આવ્યો હતો. જે બપોરે 4 વાગ્યે થયેલી લૂંટની ઘટનાની ફરિયાદ રાત્રીના સમયે જાહેર થઈ હતી કારણકે ફરિયાદીને પોતાની સાથે લૂંટ થઈ છે તેવી ફરિયાદ નોંધાવા માટે જુદા જુદા પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડ્યા હતા. જેમાં ફરિયાદી સેટેલાઇટ, વસ્ત્રાપુર,બોડકદેવ, ગુજરાત યુનિવર્સિટીમાં ફરિયાદ કરવા રખડતો રહ્યો અને અંતે કલાકો બાદ ગુજરાત યુનિવર્સિટીની હદ લાગતી હોવાથી ફરિયાદ લીધી. ત્યારે જોવું રહ્યું કે પોલીસ લૂંટારુંને ક્યારે પકડે છે?
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો