પૂર આવે અને પાળ બાંધવી આ કહેવત જાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દત્તક લીધી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ બનાવ બને છે તે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવે છે અને કામગીરી કરવાના ડોળ કરે છે. આવી જ રીતે ગોતામાં લાગેલી આગ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એક વાર હરકતમાં આવ્યું છે અને શહેરમાં રહેલી હાઇરાઈઝ બિલ્ડીંગો કે જેણે ફાયર એનઓસી નથી લીધી કે રીન્યુ નથી કરાવી તેની સામે કડક કાર્યવાહી કરવા માટે પગલા હાથ ધર્યા છે.
શાહીબાગમાં ઓર્ચીડ ગ્રીનમાં બનેલી આગની ઘટનાએ ફરી એકવાર તંત્રને દોડતું કર્યું છે. જે ઘટના બાદ ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સફાળું જાગ્યું અને શહેરમાં આવેલ હાઇરાઈઝ બિલ્ડીંગો કે જેની પાસે ફાયર NOC નથી કે એનઓસી રીન્યુ નથી કરાવી તેવી બિલ્ડીંગો સામે કડક કાર્યવાહી કરવા તૈયારીઓ દર્શાવી છે. જેમાં AMC ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગ સાથે મળી NOC નહિ લેનાર ઇમારતોના વીજ, પાણી અને ગટર કનેક્શન કાપી નાખશે. જેથી લોકોમાં એક દાખલો બેસે કે NOC ન લેનારા અને નિયમોનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી થઇ શકે છે.
મળતી માહિતી પ્રમાણે હાઇકોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ફાયર NOC મુદ્દો ચાલી રહ્યો છે. જેમાં છેલ્લે ફાયર વિભાગ દ્વારા એફિડેવિટ રજૂ કરાઈ. જે એફિડેવિટમાં 739 ઇમારતો પાસે ફાયર NOC નહિ હોવાનો ઉલ્લેખ હતો. જેમાં 608 અમદાવાદ શહેર અને 131 ગાંધીનગરની ઇમારતોનો સમાવેશ થાય છે. એટલે કે અમદાવાદની 608 ઇમારતો સામે AMC આ કાર્યવાહી કરશે.
જોકે ઉતરાયણ પર્વ ન બગડે માટે AMC ઉતરાયણ બાદ સોમવારથી ઝુંબેશ હાથ ધરશે. જેના માટે AMC એ સૌ પ્રથમ 24 ઇમારતોની યાદી બનાવી છે. જ્યાં ટીમ જશે NOC લેવા ફરજ પાડશે અને જો પ્રક્રિયા નહિ થાય તો વીજ પાણી અને ગટર કનેક્શન કાપવાની શરૂઆત કરાશે. જેની સીધી અસર 24 હજાર પરિવારને પડશે. આ ઇમારતો એવી છે કે જેઓને ત્રણ ત્રણ વાર ફાયર NOC માટે નોટિસ મળી હોવા છતાં પ્રક્રિયા નથી કરી.
શહેરમાં ટોટલ 10769 NOC એકવાર લીધી છે. તો તેમાં વેલીડ NOC ધરાવતી 9,119 ઇમારતો છે. તો 739 માંથી 608 ઇમારતો જે અમદાવાદ શહેરમાં છે તેમને NOC લેવાની બાકી છે.
સ્પેશ્યલ બિલ્ડીંગ 239 ઇમારતો જે 45 મીટર ઉપર બાંધકામની હોય તેવી ઇમારત. જે 10 માળ ઉપરની હાઇરાઇઝ ઇમારતો આવે. જેમાં કેટલીક ઇમારતો જોઈએ તો.
એટલું જ નહીં પણ જો કોઈ ફાયર NOC નથી લીધી તો તે ઇમારતોના ચેરમેન અને સેક્રેટરી સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે. જેમાં તેઓને ત્રણ મહિનાની જેલ પણ થઈ શકે છે. એટલે કે નિયમ પાલન નહિ કરનાર ઇમારતો જેની સામે AMC હવે કડક કાર્યવાહી કરી શકે છે તે નક્કી છે.