
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હ્રદયરોગના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. ડિસેમ્બરમાં પ્રતિદિન સરેરાશ 180થી વધુ લોકોમાં હ્રદયની સમસ્યા જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યુ છે અને અનેક સ્થળોએ તાપમાન 10 ડિગ્રીથી પણ નીચે નોંધાઈ રહ્યુ છે. જેના કારણે હ્રદયને લગતી સમસ્યાના કેસમાં પણ 20 ટકા જેટલો ચિંતાજનક વધારો નોંધાયો છે. ખાસ કરીને વહેલી સવાર દરમિયાન કાર્ડિયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળે છે. શિયાળામાં ઠંડીને કારણે હ્રદયની નળીઓ સાંકડી બની જતા હ્રદયના ધબકારા બ્લડ પ્રેશરમાં વધારો થાય છે. જેની તકેદારી રાખવી અત્યંત જરૂરી છે.
વર્ષ 2020માં ડિસેમ્બર મહિના દરમિયાન 108 ઈમરજન્સી સેવામાં હ્રદય સંબંધિત સમસ્યાના 3147 કેસ, ડિસેમ્બર 2021માં 4195 અને ડિસેમ્બર 2022 સુધીમાં 4463 કેસ નોંધાયા છે. આ આંકડાને જોતા આ મહિને દરરોજ સરરેરાશ 179થી વધુ હ્રદય સંબંધિત કેસ આવે છે. શિયાળા દરમિયાન હ્રદયને લગતી સમસ્યા ધરાવનારા દર્દીઓએ ખાસ તકેદારી રાખવી જોઈએ તેવુ તબીબો પણ જણાવે છે.
કાર્ડિયોલોજિસ્ટ્સોના મતે શિયાળામાં હ્રદયની નળીઓ સાંકડી બની જાય છે. તેને કારણે હ્રદયના ધબકારા અને બ્લડપ્રેશરમાં વધારો થાય છે. શિયાળામાં વધુ કેલરીવાળો ખોરાક એ પણ હ્રદયરોગની સમસ્યા વધવાનું એક કારણ છે. આ ઉપરાંત પ્લાઝમા લેવલમાં ફરક, લોહી જામી જવાનું પરિબળ, પ્લેટલેટ્સમાં વધારો, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલમાં વધઘટ, અંત:સ્ત્રાવમાં ફેરફારો, અંગેમાં લોહીની માગ-પૂરવઠાના રેશિયોમાં વધારો, સહિતના પરિબળો હ્રદયરોગના હુમલા માટે જવાબદાર હોય છે. શિયાળામાં ધમનીમાં ખેંચ અને એક્યુટ કોરોનરી સિન્ડ્રોમ જેવી તકલીફોમાં વધારો જોવા મળે છે.
સિવિલમાં છેલ્લા પાંચ વર્ષના હ્રદય સંબંધિત સમસ્યાના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2018માં આઉડોર દર્દીઓ 2,54,679 અને ઈન્ડોર દર્દીઓ 30,969 હતા. વર્ષ 2019માં 2,73,131 અને 34,203 ઈન્ડોર દર્દીઓ હતા. જ્યારે વર્ષ 2020માં 1,57,747 જ્યારે 24,306 ઈન્ડોર દર્દીઓ હતા. વર્ષ 2021માં 2,24,688 અને 35,235 ઇન્ડોર દર્દીઓ હતા. વર્ષ 2022માં 2,49,495 આઉટડોર દર્દીઓ અને 36,708 ઈન્ડોર દર્દીઓ હતા.
સિવિલ હોસ્પિટલમાં આવેલી યુ.એન.મહેતા ઈન્સ્ટીટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં હ્રદયની સમસ્યા ધરાવતા કુલ 36,708 દર્દીઓને વર્ષ દરમિયાન દાખલ થયા છે. એક જ વર્ષમાં અત્યાર સુધીના હ્રદયરોગના દાખલ થયેલા આ સૌથી વધુ દર્દીઓ છે. આ વર્ષે 2.49 લાખ આઉટડોર દર્દીઓ નોંધાયા છે. યુ.એન. મહેતામાં દાખલ થનારા દર્દીઓ 2020માં 24306 અને 2021માં 35,235 દર્દીઓ હતા. આ વર્ષે કુલ 391 દર્દીમાં બલૂન અને 1191 દર્દીમાં પેસમેકર મુકવામાં આવ્યા છે.