અમદાવાદ (Ahmedabad)માં દિવસે દિવસે ગુનાહિત માનસિક્તા ધરાવતા લોકોને જાણે કાયદાનો કે પોલીસનો કંઈ ડર જ રહ્યો નથી. વસ્ત્રાલ (Vastral) માં પૈસાની લેતી-દેતીમાં કારથી કચડી એક યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે. પોલીસે હત્યા (Murder) કરનારા બંને આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ તેમની કારથી બુલેટને ટક્કર મારી બાઈક સવાર ત્રણ યુવકો પર ગાડી ચડાવી દીધી હતી. આ દરમિયાન ઘટનાસ્થળેથી પોલીસને કારતૂસ પણ મળી આવ્યા છે જેનુ રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે આ હત્યાને અંજામ આપનારા બંને આરોપીઓ સંગ્રામ સિંહ સિકરવાર અને શિવમ ઉર્ફે કાકુ તોમરની ધરપકડ કરી છે.
સમગ્ર ઘટનાની વિગત એવી છે કે બે દિવસ પહેલા વસ્ત્રાલના તક્ષશિલા સ્કૂલના રોડ પર મોડી રાત્રે એક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે. વટવા વિસ્તારમાં રહેતો મૌલિક જોશી તેમજ તેનો મિત્ર રાજન અને શુભમ પોતાના એક મિત્રની જન્મદિવસની વસ્ત્રાલમાં જલપરી સોસાયટીમા ઉજવણી કરીને ત્રણેય મિત્રો બુલેટ લઈને પરત ફરી રહ્યા હતા તે સમયે એક ગાડીમાં સંગ્રામ તેમજ શિવમ ઉર્ફે કાકુ નામના બે જણા અચાનક કાર લઈને આવી પહોંચ્યા હતા અને બુલેટને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધી હતી.
આરોપીઓએ ટક્કર માર્યા બાદ પણ ન અટકીને વારંવાર બુલેટ ઉપર અને ત્રણે યુવકો પર ગાડી ચઢાવી હતી જેના કારણે મૌલિક જોશી નામના યુવકનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ મામલે પોલીસે ગુનામાં સામેલ બંને આરોપીઓને ઝડપી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા સ્થળ પર પહોંચેલી પોલીસને ત્યાંથી એક જીવતો કારતુસ મળી આવ્યો હતો. જેથી આ ઘટના સમયે આરોપીઓ પાસે હથિયાર હોવાની પોલીસને આશંકા હતી.
પરંતુ આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ પાસે કોઈ પીસ્ટલ કે રીવોલ્વર ન હોવાનો ખુલાસો થયો છે. આ અકસ્માતમાં રાજન અને શુભમને ગંભીર ઇજાઓ થઈ હતી. તેવામાં પોલીસને શંકા છે કે બુલેટ પર સવાર 3 મિત્રો પાસેથી કોઈ એક યુવક પાસે હથિયાર હતું. જેથી આ મામલે પોલીસે ઇજાગ્રસ્ત યુવકના પૂછપરછ હાથ ધરી છે.
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું કે સંગ્રામ સિંહ અને રાજન વચ્ચે પૈસાની માથાકૂટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને વીસીના દસ લાખ રૂપિયા અંગે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. હત્યાને અંજામ આપનાર સંગ્રામ સિંહ અને શિવમ અગાઉ મારામારી અને દારૂના કેસમાં ઝડપાયા હતા. આ મામલે ફરિયાદી શિવમે પોતે રાજકીય પક્ષમાં જોડાયો હોવાથી હુમલો કરાયો હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કર્યો હતો પરંતુ પોલીસની તપાસના પૈસાની લેવડદેવડમાં જ આ ગુનાનો અંજામ અપાયો હોવાનો ખુલાસો થયો છે. તેવામાં રામોલ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.