
ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સાબરમતી (Sabarmati River) નદીમાં પાણીની આવકમાં સારો એવો વધારો થયો છે. શહેરીજનોની સુરક્ષાને ધ્યાને રાખીને AMC એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સાબરમતી નદીનું જળસ્તર વધતા આજે રાત્રે 9 વાગ્યાથી રિવરફ્રન્ટ વૉક (River front ) વે બંધ કરવામાં આવ્યો છે. ધરોઈ ડેમમાંથી (Dharoi dam) સાબરમતી નદીમાં અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. નદીનું જળસ્તર ઉતરે નહી ત્યાં સુધી રિવરફ્રન્ટ વોક વે બંધ રહેશે. જો કે ઉપરના વોક વેની મુલાકાત લઇ શકાશે. ધરોઈ ડેમમાંથી અંદાજિત 60 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. જેના કારણે સાબરમતી નદીમાં પાણી પહોંચશે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. નદીમાં પાણીની સપાટી 128 ફૂટ કરવામાં આવી છે. ધરોઇ ડેમનું પાણી અમદાવાદ પહોંચે તે પહેલા જ નદી ખાલી કરાવામાં આવી.
સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ 55.50 મીટર છે અત્યારે પાણીની આવક વધતા સંત સરોવરના ૨૧ દરવાજામાંથી 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
સાબરમતી નદીમાં પાણીની આવક વધતા વાસણા બેરેજમાંથી (Vasna barrage) પાણી છોડાયું છે. વાસણા બેરેજના 7 દરવાજાઓ 1 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 5000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અત્યારે વાસણા બેરેજનું લેવલ 129 મીટર છે. વાસણા બેરેજ બાદ સંત સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવશે. સંત સરોવર ડેમમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. સાબરમતી નદીમાંથી પાણી છોડતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે..
આવતીકાલે વહેલી સવારે સાબરમતી નદીમાં પાણીનો તેજ પ્રવાહ જોવા મળશે. જ્યાં સુધી પાણી નહીં વહી જાય ત્યાં સુધી સાબરમતી રિવરફ્રન્ટ વોકવે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. વોક-વે પર સામાન્ય નાગરિક તેમજ કોઈપણ વ્યક્તિની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સાબરમતી નદીમાં પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારો તેમજ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે