પોલીસની નજરમાં ગુનેગારો છટકી શકતા હોતા નથી. પોલીસ માટે આવા જવાનો મહત્વનુ અંગ હોય છે કે, જેમની નજર ગુનેગારોને પારખવામાં માહિર હોય છે. આવી જ રીતે રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરી રહેલ રામોલ પોલીસની ટીમના જવાનની નજરે બે શખ્શો ચડ્યા હતા. બંનેની વર્તણુંક શંકાસ્પદ ભરી જણાતા જ બંનેને રોકીને તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં અસલી પોલીસને નકલી પોલીસ હાથ લાગી હતી.
માહિતી પ્રમાણે 23 નવેમ્બરે રામોલ પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ બે શખ્સ યાસીન વોરા અને સરફરાઝ દત્તુને રોકી પૂછપરછ કરી. આ પૂછપરછમાં બને શખ્સો ભાંગી પડ્યા અને પોતે 14 નવેમ્બરે નકલી પોલીસ બનીને ગુનો આચર્યા હોવાની કબૂલાત કરી.
બને શખ્સોએ પોલીસને પૂછપરછ દરમિયાન માહિતી આપતા જણાવ્યું કે, તેઓ 14 નવેમ્બરે રામોલમાં સુરતી સોસાયટી પાસે બાઇક સાથે ઉભા હતા. ત્યારે સીટીએમ ખાતે રહેતા કિશન પંચાલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પર આવેલ યાસીન વોરા અને સરફરાજ અન્સારીએ કિશનને રોકયો. તે ગેરકાયદેસર ધંધો કરે છે તેવી ધમકી આપી પોલીસ સ્ટેશન લઈ જવા અને કેસ કરવાની ધમકી આપી. જેથી કિસને પોલીસ સ્ટેશન નહિ જવા કહેતા સર્ફરાજે છરી બતાવી કિશન પાસેથી બે મોબાઈલ અને 1000 રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયેલ.
પોલીસે માહિતીના આધારે ઘટનાની તપાસ કરી. જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા. જે ઘટનામાં પોલીસે ભોગ બનનાર ની ફરિયાદ લઈ બને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરી. સાથે જ બને શખ્સો પાસેથી પોલીસે મોબાઈલ અને રોકડ રકમ પણ કબજે કર્યા. સાથે જ ઘટનામાં ઉપયોગ કરેલ બાઇક પણ કબજે કર્યું.
પોલીસ તપાસમાં બને પાસે કામ ધંધો નહિ હોવા અને નાણાં ની જરૂર હોવાથી ગુનો કર્યાની બને શખ્સોએ કબૂલાત કરી. સાથે જ પકડાયેલ બને શખ્સમાં સરફરાઝ સામે અગાઉ રીક્ષા ચોરીનો ગુનો રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોવાનું પણ ખુલ્યું છે. તો સાથે જ પકડાયેલા શખ્સો અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.
Published On - 2:34 pm, Sat, 25 November 23