અમદાવાદના કણભાના ઝાણું ગામની સીમમાં થયેલી દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલાયો છે. અમદવાદ ગ્રામ્ય પોલીસ હત્યાનો ભેદ ઉકેલવામાં નિષ્ફળ રહેતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 15 દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ અમદાવાદ જિલ્લાના કણભાના ઝાણું ગામની સીમમાં ગત તારીખ ત્રીજી ફેબ્રુઆરીના સાંજના સમયે બે મહિલાઓના મૃતદેહ મળી આવ્યા હતા. બે મહિલાઓનાં મૃતદેહની વાત જાણવા મળતા અમદાવાદ જિલ્લા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ભૂવાલડી ગામમાં રહેતા મંગીબેન ઠાકોર અને ગીતાબેન ઠાકોર લાકડા કાપવા ઝાણું ગામની સીમમાં આવ્યા હતા ત્યાં તેની હત્યા થઈ હતી. બંને બહેનો દેરાણી જેઠાણી થતાં હતાં અને દરરોજ લાકડા કાપવા માટે ત્યાં આવતા હતાં.
પોલીસે હત્યારાને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી હતી. શરૂઆતમાં ગ્રામ્ય પોલીસે અમુક શકમંદોની પૂછપરછ કરી હતી પણ હત્યાનો ભેદ ઉકેલાયો હતો નથી. સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી અને 15 દિવસ બાદ હત્યારા આરોપીની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા રોહિત ચુનારાની ધરપકડ કરી છે.
આરોપી રોહિત ચુનારા ભૂવાલડી ગામમાં આવેલા કલ્પેશભાઈ પટેલના ખેતરમાં રહે છે અને ભાગિયા તરીકેનું કામ કરે છે. કલ્પેશભાઈનાં ખેતરમાં કોઈ લાકડા કાપી નહિ જાય તે માટે આરોપી રોહિત ચુનારા દેખરેખનું કામ કરે છે. ત્રીજી ફેબ્રુઆરીના દિવસ બંને બહેનો નિત્યક્રમ મુજબ લાકડા કાપવા ગયા હતા તે સમયે આરોપી રોહિત ચુનારાએ બંને બહેનો સાથે બોલાચાલી કરી અને પોતાની સાથે શારીરિક સબંધ રાખવાની માંગણી કરી હતી.
અઘટિત માંગણીને લઇને બંને બહેનોએ આરોપી રોહિત સાથે ઝઘડો કર્યો હતો અને ગામમાં જઈને આ વાત ગામ લોકોને જણાવી દેવાનું કહેતા આરોપી રોહિતે પોતાની પાસે રહેલા ધારિયાથી બંનેની હત્યા નિપજાવી હતી. આરોપી રોહિત બંને બહેનોને છેલ્લા એક વર્ષથી ઓળખે છે અને અગાઉ પણ બંને સાથે રોહિતે બોલાચાલી કરી હતી. બંને બહેનો ગૌચરની જમીનમાંથી લાકડા કાપી જતાં હોય છે ત્યારે આરોપી રોહિત તેને લાકડા કાપવાની મનાઈ કરે છે અને બોલાચાલી કરે છે.
બાદમાં રોહિત તેની પાસે રહેલા ધારિયાથી બંને મહિલાની હત્યા નીપજાવી છે. મહત્વનું છે કે બંને મહિલાઓનાં મૃતદેહ મળ્યા હતા ત્યારે પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી જેમાં કોઈ પણ જાતની કડી મળતી ન હતી. મહિલાઓ લાકડા કાપવા જતી હતી તે સરકારી જમીન હતી એટલે કોઈ સાથે લાકડા કાપવા બાબતે ઝઘડો થાય નથી, હત્યા બાદ પણ બંનેના શરીર પર ઘરેણાં હતા જેથી લૂંટના ઇરાદે હત્યા થાય નથી બંને બહેનો એક જ ફળિયા રહે છે.
તેમજ સબંધી છે પણ પારિવારિક ઝઘડો હતો નથી, હત્યા સુમસાન જગ્યામાં થઈ હતી એટલે પોલીસને કોઈ સીસીટીવી મળ્યા ન હતા. કોઈ એવી કડી મળે કે જેથી હત્યાનો ભેદ ઉકેલાય તેને લઈને પોલીસે અલગ અલગ દિશાઓમાં તપાસ કરી રહી હતી.
જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા હત્યારા સુધી પહોંચી ભેદ ઉકેલ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યારો રોહિત ચુનારા વિકૃત માનસિકતા ધરાવે છે. હત્યારાની રહેણી કરણી, ચાલ ચલગત અને સ્વભાવ પરથી પોલીસને શંકા જતા તેની પૂછપરછ કરી હતી જેમાં બંને મહિલાઓની હત્યા તેણે જ કરી હોવાની કબૂલ્યું હતું. આરોપી રોહિતનો ભૂતકાળ પણ વિકૃત માનસિકતા વાળો હોવાનું પણ સામે આવ્યું હતું.
આ પણ વાંચો : Breaking News : ઇમ્પેક્ટ ફી મુદ્દે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, વધુ ચાર મહિના મુદત લંબાવાઇ