
ઈરાનમાં ફસાયેલા ગુજરાતી કપલનો સરકારની મદદથી માત્ર 24 કલાકની અંદર છૂટકારો થયો છે અને નર્કાગારની સ્થિતિમાંથી બહાર આવ્યુ છે. કપલ એજન્ટ મારફત ગેરકાયદે રીતે અમેરિકા જવા નીકળ્યુ હતુ. જેમા તેમને ઈરાનથી કેટલાક પાકિસ્તાની એજન્ટોએ બંધક બનાવ્યા હતા અને વધુ રૂપિયાની માગ કરી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. બંધક બનાવનારા ઈસમોએ પંકજ પટેલને નગ્ન કરી તેના શરીર પર બ્લેડથી આડેધડ સેંકડો ઘા જીંક્યા હતા. આ અમાનુષી અત્યાચારનો વીડિયો બનાવી તેમના પરિવારને મોકલવામાં આવ્યો અને પરિવાર પાસે વધુ રૂપિયાની માગણી કરવામાં આવી હતી.
પરિવારે સમગ્ર મામલે ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે મદદની આજીજી કરી અને હર્ષ સંઘવીએ મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી. અમદાવાદની રથયાત્રા અને યોગદિવસની ઉજવણીની તૈયારીઓની વ્યસ્તતા વચ્ચે તેમણે ઘટનાની ગંભીરતાને સમજી તાત્કાલિક તમામ એજન્સીઓને કામે લગાડી હતી. તેમણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ, કેન્દ્રીય ગૃહમંત્રાલય, વિદેશ મંત્રાલયને સમગ્ર ઘટનાથી અવગત કરી કપલને છોડાવવાના તમામ પ્રયાસ શરૂ કર્યા હતા.
હર્ષ સંઘવી ખુદ પણ સમગ્ર ગતિવિધિ પર નજર રાખી રહ્યા હતા અને ચાલી રહેલી તપાસ પર અપડેટ મેળવી રહ્યા હતા. હર્ષ સંઘવીના કહેવાથી એક પછી એક એજન્સી સક્રિય થઈ હતી. જેમા વિદેશથી લઈને સ્થાનિક એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કપલના ફોન સર્વેલન્સમાં મુકી તેમનું લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમા તહેરાન પોલીસની પણ મદદ લેવામાં આવી હતી અને ઈન્ડિયન એમ્બેસીની મદદ લેવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પ્રયાસને પગલે પંકજ અને નિશાને શોધવા માટે તહેરાનમાં નિયુક્ત ડિપ્ટી ચીફ ઓફ મિશન જોન માઈનો પણ સંપર્ક કરવામાં આવ્યો. સરકારની સતર્કતાથી આખરે તહેરાનમાં પંકજ અને નિશાના લોકેશનની જાણકારી મળી ગઈ અને પોલીસની મદદથી અપહરણકર્તાઓની ચુંગાલમાંથી પંકજ અને નિશાને મુક્ત કરાવવામાં આવ્યા.
અપહરણકર્તાઓએ પંકજની પીઠ પર બ્લેડથી સેંકડો છરકા મારી તેના પર અમાનુષી અત્યારચાર ગુજાર્યો હતો. આથી સૌપ્રથમ તો તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ત્યારબાદ બંનેને સુરક્ષિત ભારત મોકલવામાં આવી રહ્યા છે.
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર ગુજરાતી કપલ પંકજ પટેલ અને નિશા પટેલ ગેરકાયદે રીતે અમેરિકા જવા માગતા હતા. જેના માટે તેમણે ગાંધીનગરના એજન્ટ અભય રાવલને લાખો રૂપિયા આપ્યા હતા. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ એક કરોડમાં અમેરિકા મોકલવા માટેની ડીલ નક્કી થઈ હતી. જેમા કોઈપણ રીતે અમેરિકા પહોંચાડવાની એજન્ટ દ્વારા બાંહેધરી આપવામાં આવી હતી.
12 તારીખે પંકજ નિશાને ઈરાનના તહેરાન મોકલવામાં આવ્યા. સાકિબ જે લાઈનથી મોકલવા માગતો હતો, તે લાઈન તે સમયે સક્રિય ન હતી. જો કે કોઈ નવી ગેરકાયદે લાઈનથી મોકલવાની ડીલ કરી હતી. એ લાઈનમાં કામ કરનારા મોટાભાગના પાકિસ્તાનીઓ હતા. પંકજ અને નિશાને ઈરાનના રસ્તે અમેરિકા મોકલવાના પ્લાનમાં સામેલ આ પાકિસ્તાની એજન્ટોને લાગ્યુ કે તેમની પાસેથી તેઓ વધુ પૈસા પડાવી શકશે. આથી પંકજ અને નિશાને બંધક બનાવી લેવામાં આવ્યા અને ત્યારથી શરૂ થઈ પંકજ અને નિશાની દર્દનાક દાસ્તાન. તેમના પર જુલ્મ અને અત્યાચારનો સિલસિલો શરૂ થયો.
આ પણ વાંચો : Gujarati Video: ઈરાનમાં ત્રાસમાંથી મુક્તિ અપાવવા બદલ પીડિતના ભાઇએ ગુજરાત સરકારનો આભાર માન્યો
બ્લેડથી પંકજના શરીર પર અનેક છરકા મારવામાં આવે છે અને આ સમગ્ર અત્યાચારનો વીડિયો બનાવી તેમના પરિવારના નંબર પર મોકલવામાં આવે છે. આખરે ગૃહરાજ્યમંત્રીના પ્રયાસોને કારણે વિદેશની ધરતી પરથી અમાનુષી અત્યારચારમાંથી તેમનો છુટકારો થયો, આ સમગ્ર ઘટનામાં તેમનો જીવ પણ જઈ શક્તો હતો. તેમનો જીવ બચ્યો અને સ્વદેશ પરત લાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી.
કોઈપણ ભોગે અમેરિકા જવાના મોહમાં આ ગુજરાતી પરિવારે જે યાતના સહન કરી છે તેના ઉજરડા તે જિંદગીભર નહીં ભૂલી શકે. જો સરકારે મદદ ન કરી હોત તો પરિવાર કલ્પના પણ નથી કરી શક્તો કે તેમના પરિજનો દોજખમાંથી છૂટ્યા હોત કે કેમ, ભોગ બનનાર પંકજ પટેલના ભાઈ જિગર પટેલે સમગ્ર મદદ માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત ભારત સરકાર અને અમદાવાદ ક્રાઈમબ્રાંચ અને પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:37 am, Wed, 21 June 23