છેલ્લા 15 વર્ષથી અમદાવાદના રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા ભારતીય સંસ્કૃતિને સંગીત અને નૃત્ય દ્વારા વિદેશની અંદર પ્રચાર કરવાનું કાર્ય કરી રહી છે. ત્યારે વિદેશની ધરતી ઉપર ભારતનો ઝંડો લહેરાવવા દિવ્યાંગ બાળકો અને કેટલાક ગરીબ બાળકો થાઇલેન્ડની અંદર ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેશે. આ બાળકો સાથે એમના વાલીઓ પણ ફેસ્ટિવલની અંદર પોતાના બાળકનો ઉત્સાહ વધારવા ભાગ લેશે. આ ફેસ્ટિવલમાં 10 દિવ્યાંગ બાળકો અને 10 વાલીઓ દ્વારા દેશનું નામ રોશન કરવામાં આવશે.
આ ફેસ્ટિવલની અંદર ગણેશ સ્તુતિ, ગરબા, રાજસ્તાની ડાન્સ કરવામાં આવશે જેની દિવ્યાંગ બાળકોની છેલ્લા 2 મહિનાથી તૈયારી ચાલી રહી છે. રંગસાગર પર્ફોમિંગ આર્ટસના ડિરેક્ટર નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોફેશનલ ડાન્સ ગ્રુપને તો લઈ જઉ છું, પણ દિવ્યાંગ બાળકોને પણ લઈ જવા જોઇએ આવા બાળકોને આપણે એમની અંદર પડેલી કલાને બહાર લાવવી જોઈએ.
આવા બાળકો થકી જે વાલીઓ એવું વિચારે છે કે આવા બાળકો કઈ કરી શકે નહિ, આને નહિ આવડે આ મંદ બુદ્ધિના દિવ્યાંગ બાળકો છે આ વાતને ધ્યાનમાં લઈને રંગસાગર દ્વારા ગુજરાતમાંથી પહેલીવાર ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેથી લોકોની માનસિકતા બદલાય. જે ફેસ્ટિવલ 25થી 28 જાન્યુઆરી 2023 સુધી ચાલશે.
આ ફેસ્ટિવલમાં અમદાવાદની જાણીતી સંસ્થા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ જેના ડિરેક્ટર નિલેશ પંચાલ અને વી.એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજની અને સમગ્ર શિક્ષા અભિયાન ઠાસરા ખેડા જિલ્લાના બાળકો ભાગ લેશે. તેમણે જણાવ્યુ કે, દેશ માટે ગર્વની વાત છે કે રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા ભારતીય સંકૃતિનો પ્રચાર થઈ રહ્યો છે. સાથે સાથે રંગસાગરનો ઉદ્દેશ નવા કલાકારો અને વિદ્યાર્થીઓને ડાન્સ અને મ્યુઝિક દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
તેમણે જણાવ્યુ હતુ કે, અત્યાર સુધીમાં રંગસાગર પર્ફોર્મિંગ આર્ટસ દ્વારા 55 ઉપર ઇન્ટરનેશનલ ફોક ડાન્સ અને મ્યુઝિકના ફેસ્ટિવલમાં ભાગ લીધેલો છે. રંગસાગરને વિવિધ અવૉર્ડથી વિદેશમાં સન્માનિત કરવામાં આવ્યા છે. જે દેશ માટે ગૌરવની વાત છે. સાથે 113 કલાકારોને યુરોપ લઈ જવાનો વર્લ્ડ રેકોર્ડ પણ કરવામાં આવ્યો છે. રંગસાગરના ડિરેક્ટર નરેશ પટેલ એ વધુમાં જણાવ્યું હતું કે, સરકારને પણ નમ્ર વિનંતી છે કે આવા દિવ્યાંગ બાળકોનો પ્રોત્સાહન વધે એવા કાર્યક્રમ કરે અને આવા બાળકો આગળ વધે એવા પ્રયત્નો કરે.