
અમદાવાદ શહેરમાં ફરી એકવાર બોમ્બ ધમકીની ઘટનાથી ભયનો માહોલ સર્જાયો છે. શહેરની બે જાણીતી શૈક્ષણિક સંસ્થાઓ સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને સંત કબીર સ્કૂલ સહિત 7 શાળાઓને ફરી એકવાર ઉડાવી દેવાની ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો છે. ધમકીભર્યો મેઇલ મળતા જ સ્કૂલ પ્રશાસન અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અજાણ્યા ઈ-મેઇલ આઈડી પરથી સ્કૂલને ધમકી આપવામાં આવી હતી, સેંટ ઝેવિયર્સ સ્કૂલ અને સંત કબીર, ઘાટલોડિયાની કેલોરેક્સ સહિતની 7 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની વાત ઇમેઇલમાં લખવામાં આવી હતી.સંત કબીરની 3 બ્રાંચ, DPS બોપલ, સેન્ટ ઝેવિયર્સ લોયેલા, કેલોરેક્સ ઘાટલોડિયા, સ્વયંમ સ્કૂલને પણ ધમકી મળી છે. મેઇલ મળતાની સાથે જ સ્કૂલ પ્રશાસને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ધમકીમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ
અમદાવાદ શહેરની સ્કૂલોને મળેલી ધમકીમાં ખાલિસ્તાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાત ખાલિસ્તાનનું દુશ્મન હોવાનો મેઇલમાં ઉલ્લેખ છે. મેઈલમાં મોદી-શાહને ગણાવાયા ખાલિસ્તાનના દુશ્મન ગણાવ્યા. ખાલિસ્તાન, બાંગ્લાદેશ જિંદાબાદનો પણ મેઈલમાં ઉલ્લેખ છે. બપોરે 1.11 વાગ્યે સ્કૂલમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે. 26મી જાન્યુઆરીએ સ્કૂલમાં તિરંગો નહીં ફરકાવવાની ધમકી અપાઇ. મેઇલ અંગે સાઇબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ.
બંને સ્કૂલના પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ક્લાસરૂમ, ઓફિસ, પાર્કિંગ એરિયા સહિત સમગ્ર કેમ્પસની બારીક તપાસ કરવામાં આવી. સદનસીબે, ચેકિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ વાલીઓ પણ પોતાના બાળકોને લેવા માટે શાળાએ પહોંચી રહી છે. સમગ્ર શાળા બહાર કાઢવામાં આવી રહી છે.
પોલીસ દ્વારા આ ધમકીભર્યા મેઇલને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમ વિભાગની મદદથી મેઇલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. અગાઉ પણ શહેરની કેટલીક સ્કૂલોને આવી પ્રકારની ધમકીઓ મળ્યાના બનાવો સામે આવ્યા છે, જેને કારણે વાલીઓમાં ચિંતા વધી છે.
ફિલહાલ પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને શહેરની અન્ય સ્કૂલોની સુરક્ષા પણ વધારવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ શંકાસ્પદ માહિતી તરત પોલીસને જાણ કરવા અપીલ કરી છે.
મહત્વનું છે અમદાવાદમાં અગાઉ પણ અમદાવાદની અનેક શાળાઓ તેમજ કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલી છે. ઇમેઇલ દ્વારા જ આ ધમકી આપવામાં આવતી હોય છે. કોઇ ટ્રેસ ન કરી શકે એ માટે ઇમેઇલ કરવા માટે VPN નો ઉપયોગ કરવામાં આવે છે. સાયબરની ટીમ દ્વારા આ મેઇલ ક્યાંથી કરવામાં આવ્યો તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
Published On - 9:08 am, Fri, 23 January 26