Ahmedabad : ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં કોર્ટ મિત્રના રિપોર્ટ બાદ રેલવે બોર્ડ અને રાજ્ય સરકારે પોતાના સોગંદનામા રજૂ કર્યા. રેલવે બોર્ડે પોતાના સોગંદનામા દાવો કર્યો છે કે વિસાવદરથી તલાલા વચ્ચેની રેલવે લાઈનને મીટર ગેજ બ્રોડગેજ કરવાનો પ્લાન રેલવે બોર્ડે હાલ પૂરતો પડતો મૂક્યો છે.
સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ અને અન્ય ઓથોરિટીની મંજૂરી ન મળે ત્યાં સુધી આ પ્લાનને પડતું મુકવામાં આવ્યો છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે રેલવે લાઇન મુદ્દે કોર્ટમાં રજૂઆત કરી છે કે આ અંગેનો પ્લાન મંજૂરી માટે વિચારણા હેઠળ છે. રેલવે બોર્ડે દાવો કર્યો કે ગીર અભયારણ્ય કે ઈકો સેન્સીટીવ ઝોનમાંથી પસાર થતી રેલવેની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાક નિયત કરવામાં આવી છે અને રાત્રીના સમયે અભયારણ્ય વિસ્તારમાંથી ટ્રેન પસાર નહીં કરવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનીય છેકે આ અગાઉ રેલવે વિભાગ તરફથી કોર્ટમાં રજૂઆત કરાઇ હતી કે, અભયારણ્ય નજીકથી પસાર થતી ટ્રેનોને ધીમે ચલાવવા અને સતત હોર્ન વગાડવા માટે સૂચના આપવામાં આવે છે. જોકે રેલવે ટ્રેક પર સિંહો સાથે થતા મોટાભાગના અકસ્માત રાતના સમયે થાય છે તેથી ઘણીવાર ટ્રેક પર સિંહ ન દેખાય તેવું બને છે. રેલવે વિભાગ તરફથી ટ્રેક આસપાસ સાંકળનું ફેન્સિંગ કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Gram Panchayat Election : 10,443 ગ્રામ પંચાયતોમાંથી 1157 ગ્રામ પંચાયત સમરસ, સૌથી વધારે મોરબીમાં ગ્રામ પંચાયત સમરસ થઇ