વિશ્વભારતી સંસ્થાન-અમદાવાદ દ્વારા તારીખ 26 માર્ચ 2022 શનિવારે કેલિફોર્નિયામાં (California) ભારતીય સ્ત્રી સાહિત્યકારો અને કલાકારો માટેના આંતરરાષ્ટ્રીય સાહિત્ય અને (Art Festival)કલા મહોત્સવ ‘જૂઈ- મેળો ‘ 2022 નું શાનદાર અને સફળ આયોજન થયું હતું .વિશ્વભારતી સંસ્થાન (Visva-Bharati Sansthan)અમદાવાદ ,શિક્ષણ,સેવા,કલા,સાહિત્ય,પર્યાવરણ અને સંશોધનને વરેલું ટ્રસ્ટ છે. 2018 થી ડો.ઉષાબહેન ઉપાધ્યાયનાં માર્ગદર્શન હેઠળ આ ટ્રસ્ટ નારીચેતના અને નારીની સર્જનાત્મક શક્તિને ઉજાગર કરવા અનેક કાર્યક્રમ ભારત અને વિશ્વમાં કરી રહ્યું છે. સુવિખ્યાત કવયિત્રી અને ‘જૂઈ- મેળો ‘ ના સ્થાપક ડૉ.ઉષા ઉપાધ્યાયના માર્ગદર્શન નીચે વિશ્વભારતી સંસ્થાન દર વર્ષે માર્ચ મહિનામાં ‘જૂઈ- મેળો ‘નું વાર્ષિક સંમેલન યોજે છે .
અમદાવાદ ,ભાવનગર અને દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાએ સફળ સંમેલનો યોજયા પછી તાજેતરમાં અમેરિકામાં કેલિફોર્નિયાના મિલપિટાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ‘જૂઈ- મેળો ‘ના વાર્ષિક સંમેલનનું આયોજન થયું હતું. મિલપિટાસમાં આઈ. સી.સી. સેન્ટરના સભાગૃહમાં યોજાયેલા આ કાર્યક્રમની ઉદ્ઘાટન બેઠકના આરંભે જિગીષા પંડ્યાએ મહેમાનોનું ભાવપૂર્વક સ્વાગત કર્યું હતું .ત્યારબાદ વિશ્વવિખ્યાત હિન્દી સાહિત્યકાર ચિત્રા મુગદલજીએ ‘ જૂઈ – મેળો ‘ ને આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવા માટે પાઠવેલા પ્રેરણાત્મક શુભેચ્છા સંદેશ તથા અન્ય મહાનુભાવોએ પાઠવેલા શુભેચ્છા સંદેશની રજૂઆત થઈ હતી.
‘જૂઈ- મેળો’ના સ્થાપક કવયિત્રી ઉષા ઉપાધ્યાયે એમના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વિકાસમાં આરંભથી જ સ્ત્રીઓનું ખૂબ મહત્વપૂર્ણ પ્રદાન રહ્યું છે, પરંતુ ઇતિહાસમાં એની યોગ્ય નોંધ લેવાઈ નથી. આ સ્થિતિમાં ભારતીય સ્ત્રી સાહિત્યકારો અને કલાકારોની ઉત્કૃષ્ટ કલાને સમાજ સુધી પહોંચાડવા તથા નવોદિતોને પ્રેરણા મળે એ હેતુથી દર વર્ષે માર્ચ મહિનામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ‘જૂઈ- મેળો’ યોજાય છે. આ સંમેલનનું ઉદ્ઘાટન હિન્દી ભાષાના વિશ્વ વિખ્યાત ડાયસ્પોરા લેખિકા અને જ્યોતિષાચાર્ય ડૉ. અનિતા કપૂરે કર્યું હતું. એમણે ભારતીય લેખિકાઓના સાહિત્યને એક મંચ ઉપર પ્રસ્તુત કરતા આ કાર્યક્રમની પ્રસંશા કરી હતી અને શુભેચ્છા પાઠવી હતી.
ઉદ્ઘાટન બેઠકમાં અતિથિ વિશેષ તરીકે કેલિફોર્નિયાની સેનેટના સેનેટર બોબ, કેલિફોર્નિયા લેજિસ્લેટિવ એસેમ્બલીના સદસ્ય એલેક્સ લી, ફ્રીમોન્ટના નાયબ મેયર ડૉ.રાજ સલવાન, જી.સી.એ.ના પ્રેસિડેન્ટ મહેશ પટેલ, હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન,યુ.એસ.એ.ના પ્રેસિડેન્ટ કિરીટ શાહ ઉપસ્થિત રહ્યા હતા. ઉષાબહેને તેમનું સ્વાગત કરીને સન્માન્યા હતા. મહેમાનોએ એમના પ્રાસંગિક વક્તવ્યમાં મહિલા સશક્તિકરણ, ભારતીય કળા, સંસ્કૃતિ અને ભારતીય ભાષાઓની જાળવણી તેમજ વિકાસ માટે વિશ્વભારતી સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિઓની પ્રસંશા કરી હતી . એમણે પોતાનાં વક્તવ્યોમાં ‘જૂઈ-મેળો’ ના આયોજનથી ઉષાબહેને મહિલા સશક્તિકરણ માટે કરેલાં ખૂબ સુંદર કાર્યની સમાજમાં નોંધ લેવાઈ છે. તેમજ લોકો તેને આજે અને આવતી કાલે પણ યાદ રાખશે તેમ કહ્યું હતું.
કલા અને સાહિત્યની આ પ્રવૃત્તિ સમાજ અને સંસ્કૃતિની જાળવણી માટે ખૂબ જરૂરી છે તેમ પણ એમણે જણાવ્યું હતું.એમણે કેલિફોર્નિયામાં ભારતીય સ્ત્રી સાહિત્યકારો તથા કલાકારોને એક સમન્વિત મંચ પૂરો પાડતા ‘ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ ફોર વુમન :’જૂઈ- મેળો’ 2022ના શાનદાર આયોજન કરવા માટે વિશ્વભારતી સંસ્થાનને અભિનંદન આપીને કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. ઉદ્ઘાટન સત્રમાં કેલિફોર્નિયાની સેનેટના સદસ્ય બોબ વિકોન્સિવ તથા કેલિફોર્નિયા લેજિસ્લેટિવ એસેમ્બલીના સદસ્ય એલેક્સ લીએ ભારતીય સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડૉ.ઉષા ઉપાધ્યાયે આપેલી સુદીર્ઘ સેવા અને મૂલ્યવાન પ્રદાનને બિરદાવીને એમને સન્માનપત્ર એનાયત કરી એમનું સન્માન કર્યું હતું.
ત્યાર બાદ વિશ્વભારતી સંસ્થાન દ્વારા બે એરિયાના પ્રસિદ્ધ સ્વરકાર અને ગાયક કલાકારો દર્શના ભુતા શુક્લ, અસીમ મહેતા, માધવી મહેતા ,અચલ અંજારિયા , આનલ અંજારિયા અને હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટ, સાહિત્યકાર પ્રજ્ઞા દાદભાવાલા અને જિગીશા પટેલ, કળાસંવર્ધકો અને ગુજરાતી સમાજના અગ્રણીઓ ઉર્વશીબહેન અને સુરેશભાઈ પટેલ, મનીષાબહેન પ્રતાપભાઈ પંડ્યા,મહેશ પટેલ, રાજ દેસાઈ ,સ્મિતાબહેન અને કિરીટભાઈ શાહ, જયશ્રી ભક્તા,જાગૃતિ દેસાઈ તથા તેજસ્વી વિદ્યાર્થિની વૈશાલી ગૌરવ શાહનું સન્માનપત્ર અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું.
બીજી બેઠક બહુભાષી કવયિત્રી સંમેલનમાં બે એરિયામાં વસતા હિન્દી કવયિત્રીઓ ડૉ. અનિતા કપૂર, મંજુ મિશ્ર ડૉ.અર્ચના પાંડા તથા શોનાલી શ્રીવાસ્તવ ; મરાઠી કવયિત્રી ડૉ.અનિતા કાન્ત ,અંગ્રેજી કવયિત્રી અલ્પા શાહ તથા ગુજરાતી કવયિત્રીઓ સપના વિજાપુરા, દર્શના વરિયા નાડકર્ણી ,પ્રજ્ઞા દાદભાવાલા ,અને જિગીશા પટેલે કાવ્યપઠન કર્યું હતું. આ ઉપરાંત ભારતી વોરાએ બ્રિટનથી, દેવિકા ધ્રુવે હ્યુસ્ટનથી તેમજ સંસ્કૃત ભાષાના કવયિત્રી ડૉ. રીતા ત્રિવેદીએ સુરતથી ઓનલાઈન કાવ્યપઠન કર્યું હતું. આ કવયિત્રીઓએ પોતપોતાનાં આગવા અંદાજમાં કાવ્યપઠન કરી ભારતની વિવિધ ભાષાઓને અમેરિકામાં જીવંત રીતે પ્રત્યક્ષ કરી આપી હતી.
લલિત કલાઓના સમન્વિત મંચ ‘જૂઈ- મેળો’ ની અંતિમ બેઠક સંગીતની પ્રસ્તુતિની હતી.આ બેઠકમાં સુપ્રસિદ્ધ સ્વરકાર અને બેએરિયાની કોકિલકંઠી ગાયિકા આનલ અંજારિયા, નવોદિત કલાકારો આરુષિ અંજારિયા અને શ્રાવ્યા અંજારિયા તેમજ યુવા ગાયિકા વાગ્મી કચ્છીએ પન્ના નાયક ,મેઘલતા મહેતા, ઉષા ઉપાધ્યાય અને લક્ષ્મી ડોબરિયાની કવિતાઓની સુમધુર પ્રસ્તુતિ કરી હતી અને સુંદર ગીતોથી વાતાવરણને સંગીતસભર કરી દીધું હતું.
આ આંતરરાષ્ટ્રીય કળા મહોત્સવની સફળતા માટે અમેરિકાના જુદાજુદા રાજ્યોની વિવિધ ગુજરાતી સંસ્થાઓએ શુભેચ્છા પાઠવી હતી.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન સુપ્રસિદ્ધ સ્વરકાર અને ગાયક આનલ અંજારિયાએ કર્યુ હતું .વિશ્વભારતી સંસ્થાનનાં સેક્રેટરી કૌશલ ઉપાધ્યાયે સમગ્ર કાર્યક્રમનાં આયોજનનો કાર્યભાર સુપેરે સંભાળ્યો હતો.કાર્યક્રમનું ટેકનિકલ સંચાલન અચલ અંજારિયા અને નિમેષ અનારકટે સંભાળ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મનીષાબહેન પ્રતાપભાઈ પંડ્યા ,ઉર્વશીબહેન સુરેશભાઈ પટેલ, કિરીટભાઈ શાહ ,રાજ દેસાઈ, મહેશ પટેલ તથા જિગીષાબહેન પટેલે ઉમદા સહાય કરી હતી. આ સૌના સહયોગ તથા અનેક નામી-અનામી સાહિત્યરસિકોના ઉમદા સહયોગથી કાર્યક્રમ યાદગાર બન્યો હતો. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના બે એરિયામાં વસતા ભારતીય સાહિત્યકારો, સંગીતકારો તથા અનેક કલારસિકોની ઉત્સાહપૂર્ણ હાજરી વચ્ચે ઉલ્લાસભર્યા વાતાવરણમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ પણ વાંચો : Narmada : SOU અધિકારીની વાંધાજનક ટિપ્પણીનો વિરોધ કરી રહેલા આદિવાસીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો
આ પણ વાંચો :
Published On - 6:35 pm, Fri, 1 April 22