કર્ણાટકની લોકપ્રિય દૂધ બ્રાન્ડ નંદિની સાથે અમૂલ વચ્ચે બજારની તકરારને લઈને રાજકીય વિવાદ માંડ શાંત થયા પછી હવે મરચાને લઇને રાજકારણ ગરમાયુ છે. અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધના ઉત્પાદનોનું વેચાણ કરતી ગુજરાતની સહકારી કંપનીના વડાએ મંગળવારે જણાવ્યું હતું કે, તે બેંગલુરુમાં માત્ર ઓનલાઈન ચેનલો દ્વારા જ દૂધ અને દહીંનું વેચાણ કરશે. જો કે હવે મરચાનો મુદ્દો રાજકારણને વધુ લાલ કરી રહ્યો છે.
ગુજરાત સ્થિત અમૂલ ડેરીએ 5 એપ્રિલે તેના દૂધ અને દહીંની બ્રાન્ડ સાથે કર્ણાટકના બજારમાં પ્રવેશવાની જાહેરાત કર્યા બાદ સત્તાધારી ભાજપને નિશાન બનાવવા માટે વિપક્ષને વધુ એક હથિયાર મળ્યું છે. આ મુદ્દાની વચ્ચે હવે કર્ણાટકમાં ગુજરાતના મરચાને લઈને વિવાદ શરૂ થયો છે.
કર્ણાટકમાં અમૂલ દૂધ પછી હવે ગુજરાતના મરચાનો વારો આવ્યો છે. અમૂલના નામથી રાજકારણ ગરમાયા બાદ ગુજરાતી મરચાનો મુદ્દો હવે સામે આવ્યો છે. મરચાની આ ગુજરાતી જાત ‘પુષ્પા’ તરીકે ઓળખાય છે. આ મરચું લાલીના નામથી પણ પ્રચલિત છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરના મહિનાઓમાં એશિયાના સૌથી મોટા મરચા બજાર બ્યાદગી બજારમાં ઓછામાં ઓછા 20,000 ક્વિન્ટલ ગુજરાતી મરચાંનું વેચાણ થયું છે. પુષ્પા કર્ણાટકના સ્થાનિક ડબ્બી અને કડ્ડી જાતોની હરીફ નથી. તેમ છતાં ગુજરાતના મરચાના વિવિધ જાતોનો મોટો જથ્થો અહીંના બજારમાં પહોંચી ગયો છે.
પુષ્પા મરચાં કર્ણાટકના સ્થાનિક જાતોના મરચા કરતાં દેખાવમાં વધુ લાલ હોય છે, જો કે આ મરચા લાલ રંગ લાંબા સમય સુધી જાળવી રાખતા નથી. બ્યાદગી માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઓછામાં ઓછા 70 મરચા વિક્રેતાઓએ બજારની નજીકના વિવિધ કોલ્ડ સ્ટોરેજમાં ગુજરાત મરચાનો અમુક જથ્થો સંગ્રહિત કર્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર બ્યાદગીના એપીએમસીના અધિક નિયામક અને સચિવ એચ.વાય. સતીષે માહિતી આપી હતી કે, આ સિઝનમાં ગુજરાતના મરચાનો પુરવઠો સતત વધી રહ્યો છે. APMC એક્ટમાં સુધારા બાદ ખરીદદારો બજાર સમિતિની પરવાનગી લીધા વગર દેશમાં ગમે ત્યાંથી કૃષિ પેદાશો ખરીદી શકે છે. આવી સ્થિતિમાં એપીએમસી માટે પુરવઠાને મર્યાદિત રાખવો મુશ્કેલ બનશે. ઉપરાંત, પુષ્પાને બ્યાદગી મરચાંના બજાર માટે ખતરા તરીકે જોવામાં નહીં આવે કારણ કે ડબ્બી અને કડ્ડીની જાતો તેમની પોતાની એક પ્રતિષ્ઠા ધરાવે છે.
રાણીબેનૂ તાલુકાના ખેડૂત, રમન્ના સુદામ્બીએ અપીલ કરી, “બ્યાદગી મરચાંનું બજાર, જે ડબ્બી અને કડ્ડીની જાતો પર બનેલુ છે, તેણે પોતાની આગવી ઓળખ વિકસાવી છે. વિવિધ દેશો અને કંપનીઓ વર્ષોથી બ્યાદગી મરચા પર નિર્ભર છે. તેથી, સરકારે ખાતરી કરવી જોઈએ કે આ સ્થાનિક મરચાંની પ્રતિષ્ઠા જોખમમાં ન આવે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 12:42 pm, Wed, 12 April 23