
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે. જિલ્લામાં નોંધાયેલા 10 ઈંચ જેટલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, ખાસ કરીને વાપીના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
નેશનલ હાઈવે 48 નજીક આવેલું નૂતન નગર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબા સમય સુધી પાણીનો યોગ્ય નિકાલ ન થવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, વલસાડના જ ધરમપુરના જંગલ, ડુંગરાળ વિસ્તારો અને મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં જોરદાર વધારો થયો છે. ડેમમાં 1 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાતા તંત્ર દ્વારા મધુબન ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતા દમણગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને વાપી નજીક આવેલ દમણગંગા નદીનો વિયર પણ ઓવરફ્લો થઈ ગયો છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ, વાપી અને દમણના ગામના લોકોને નદી કિનારે ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.
આ ઉપરાંત, ધરમપુરમાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે જિલ્લાની અન્ય મુખ્ય નદીઓ જેવી કે ઓરંગા, કોલક, વાકી અને માન નદીમાં પણ પાણીની સપાટીમાં ભારે વધારો થયો છે, જેને પગલે તંત્ર દ્વારા તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.