Tiger 3: રશિયામાં ધમાકેદાર એક્શન સિનથી થઈ શૂટિંગની શરૂઆત, સલમાન-કેટરીનાની જોડી ફરી છવાઈ જશે
સલમાન ખાન અને કેટરીના કૈફ તેમની આગામી ફિલ્મ ટાઈગર 3 ના શૂટિંગ માટે રશિયા પહોંચી ગયા છે. ફિલ્મનું શૂટિંગ પણ આજથી શરૂ થઈ ગયું છે.
સલમાન ખાન (Salman Khan) અને કેટરીના કૈફની (Katrina Kaif) ફિલ્મ ટાઈગર 3 (Tiger 3) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સલમાન ખાન અને કેટરીના કૈફ શુક્રવારે આ ફિલ્મના શૂટિંગ માટે રશિયા જવા રવાના થયા હતા અને શનિવારથી તેઓએ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. ધમાકેદાર એક્શન સિક્વન્સ સાથે શૂટિંગની શરૂઆત થઇ છે.
રશિયામાં શરુ કર્યું શૂટિંગ
સલમાન અને કેટરીનાએ થોડા સમય પહેલા મુંબઈમાં ટાઈગર 3 નું શૂટિંગ કર્યું હતું. કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ કર્યા બાદ સલમાન અને કેટરીના નિર્દેશક મનીષ શર્મા સાથે રશિયા જવા રવાના થયા હતા.
ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, ટાઇગર 3 નું શૂટિંગ હાલમાં સેન્ટ પીટર્સબર્ગમાં થઇ રહ્યું છે. રશિયાનું શેડ્યૂલ ભવ્ય કાર ચેઝ એક્શન સિક્વન્સથી શરૂ થયું છે. ભારત અને રશિયાની યુનિટ કોવિડ -19 સલામતી માર્ગદર્શિકાની વિશેષ કાળજી લઈ રહી છે. ઉપરાંત, રશિયાની સત્તા વિશેષ કાળજી લઈ રહી છે કે આ શૂટમાં કોઈ સમસ્યા ન ઉભી થાય.
ફિલ્મ સાથે સમાધાન નહીં કરે
રિપોર્ટ અનુસાર, આદિત્ય ચોપરાએ કહ્યું છે કે રોગચાળાના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યા બાદ પણ તેઓ ફિલ્મના સ્કેલ સાથે સમાધાન કરશે નહીં. આદિત્યના ફિલ્મના વિઝનને ધ્યાનમાં રાખીને કાર ચેઝ સિક્વન્સ પણ શૂટ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મને મોટા પડદા પર જોવી ખૂબ જ શાનદાર રહેશે.
રિપોર્ટ અનુસાર, રશિયાનું શેડ્યૂલ પૂર્ણ થયા બાદ સલમાન ખાન, કેટરિના અને ટાઇગર 3 ની આખી ટીમ તુર્કી અને ઓસ્ટ્રેલિયા જશે. રશિયા બાદ આ ફિલ્મનું શૂટિંગ તુર્કી અને ઓસ્ટ્રેલિયામાં થશે.
ઇમરાન હાશ્મી નકારાત્મક પાત્ર ભજવશે
સલમાન ખાનની ફિલ્મમાં ઇમરાન હાશ્મી (emraan hashmi) નેગેટિવ રોલમાં જોવા મળશે. તે પ્રથમ વખત સલમાન અને કેટરીના સાથે કામ કરવા જઈ રહ્યો છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, તે રશિયાના શિડયુલનો ભાગ નથી. તે તુર્કીના શિડયુલ વખતે ટીમમાં જોડાશે.
ટાઈગર ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ
તમને જણાવી દઈએ કે ટાઈગર 3 વર્ષ 2022 માં રિલીઝ થશે. તે વર્ષ 2022 ની સૌથી મોટી બોલિવૂડ ફિલ્મોમાંની એક હશે. આ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ છે. વર્ષ 2012 માં પહેલી ફિલ્મ એક થા ટાઈગર આવી હતી. તે પછી 2017 માં ટાઇગર જિંદા હૈ આવી.
આ પણ વાંચો: Kangana Ranaut : ‘ધાકડ’ બાદ કંગના રનૌતે ‘તેજસ’ નું શૂટિંગ શરૂ કર્યું, જાણો આગામી ફિલ્મ ‘તેજસ’ વિશે