Breaking News: 92 વર્ષીય દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને ‘કાર્ડિયાક અરેસ્ટ’, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા

શનિવારે દિગ્ગજ પ્લેબેક સિંગર આશા ભોંસલેને હાર્ટ અટેક આવતા તેમની તબિયત અચાનક બગડી હતી. તેમને તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Breaking News: 92 વર્ષીય દિગ્ગજ ગાયિકા આશા ભોસલેને કાર્ડિયાક અરેસ્ટ, તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
| Updated on: Apr 11, 2026 | 9:12 PM

ભારતીય સંગીત જગતના દિગ્ગજ અને કરોડો લોકોના મનપસંદ ગાયિકા આશા ભોસલે અંગે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શનિવારે અચાનક તબિયત બગડતા તેમને મુંબઈની જાણીતી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, હાર્ટ એટેક (હૃદયરોગનો હુમલો) આવ્યા બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા.

બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડો. પ્રતીત સમદાનીના જણાવ્યા અનુસાર, 11 એપ્રિલના રોજ શનિવારે 92 વર્ષીય આશા ભોસલેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના પગલે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આશા ભોંસલે હાલમાં ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ યુનિટમાં સારવાર હેઠળ છે.

સાત દાયકાની અવિરત સંગીત યાત્રા

માત્ર 10 વર્ષની ઉંમરે સંગીતની સફર શરૂ કરનાર આશા ભોસલેએ ભારતીય સિનેમાને હજારો યાદગાર ગીતો આપ્યા છે. તેમણે હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, બંગાળી અને અનેક પ્રાદેશિક ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ પાથર્યો છે.

યાદગાર ગીતોની ઝલક:

  • રોમેન્ટિક ગીતો: ‘અભી ના જાઓ છોડકર’, ‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો’.
  • ચુલબુલા ગીતો: ‘પિયા તુ અબ તો આજા’, ‘દમ મારો દમ’.
  • ગઝલ: ‘ઈન આંખો કી મસ્તી કે’, ‘દિલ ચીઝ ક્યા હૈ’ (ફિલ્મ: ઉમરાવ જાન).
  • ગુજરાતી ગીતો: ‘મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો’ અને ‘તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે’.

પરિવાર અને વારસો

આશા ભોસલે સંગીત પરિવારમાંથી આવે છે. તેઓ દિગ્ગજ ગાયિકા સ્વ. લતા મંગેશકરના નાના બહેન છે. તેમના પિતા પંડિત દીનાનાથ મંગેશકર પાસેથી તેમને સંગીતનો વારસો મળ્યો હતો. તેમના લગ્ન જાણીતા સંગીતકાર આર.ડી. બર્મન (પંચમ દા) સાથે થયા હતા, જેમના સંગીત નિર્દેશનમાં આશાજીએ અનેક સુપરહિટ ગીતો આપ્યા છે.

સન્માન અને પુરસ્કારો

આશા ભોસલેના સંગીત પ્રદાન બદલ તેમને અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સથી નવાજવામાં આવ્યા છે:

  1. દાદાસાહેબ ફાળકે એવોર્ડ: ભારતીય સિનેમાનો સર્વોચ્ચ પુરસ્કાર.
  2. પદ્મ વિભૂષણ: ભારત સરકાર દ્વારા બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન.
  3. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ: સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ્સ (ગીતો) ગાવા માટે તેમનું નામ ગિનીસ બુકમાં નોંધાયેલું છે.
  4. નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: અનેક ફિલ્મો માટે શ્રેષ્ઠ ગાયિકાનો રાષ્ટ્રીય પુરસ્કાર.

ચાહકોની પ્રાર્થના

90 વર્ષની વયે પણ આશા તાઈ હંમેશા ઉત્સાહી અને હસમુખા જોવા મળતા રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલિવૂડની હસ્તીઓ તેમના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પ્રાર્થના કરી રહી છે. સંગીત પ્રેમીઓ ઈચ્છી રહ્યા છે કે તેમનો સુરીલો અવાજ ફરી એકવાર ગુંજી ઊઠે.

Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી છે આશા ભોંસલે, ગુજરાતી સહિત અનેક ગીતોમાં આપી ચૂક્યા છે અવાજ જાણો તેમના પરિવાર વિશે

Published On - 9:03 pm, Sat, 11 April 26

Follow Us