કન્ટ્રોવર્સિયલ ક્વીન ગણાતી કંગના રનૌત (Kangana Ranaut) ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. અભિનેત્રી કંગના તેના નિવેદનોને કારણે ખુબ ચર્ચામાં રહે છે અને ઘણી વખત તે પોતાના નિવેદનોને કારણે મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે. હવે તેના આવા જ એક નિવેદનને કારણે કંગનાની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક વૃદ્ધ મહિલા પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ અભિનેત્રી વિરુદ્ધ માનહાનિનો કેસ (Defamation Case) નોંધવામાં આવ્યો હતો. આ જ માનહાનિના કેસમાં કંગનાને નોટિસ જારી કરવામાં આવી છે અને તેને 19 એપ્રિલે ભટિંડા કોર્ટમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
કંગના સામેના કેસમાં લડી રહેલા વકીલનુ કહેવુ છે કે, જો કંગના નિર્ધારિત દિવસે કોર્ટમાં હાજર નહીં થાય તો તેની સામે ધરપકડ વોરંટ પણ જાહેર કરવામાં આવશે. કંગનાના વકીલે એ પણ જણાવ્યું કે આ મામલો 4 જાન્યુઆરી, 2021થી શરૂ થયો હતો અને તેની સુનાવણી લગભગ 13 મહિના સુધી ચાલી હતી,ત્યારબાદ કોર્ટે કંગનાને સમન્સ જાહેર કરીને હાજર થવા માટે કહ્યુ હતું.
તમને જણાવી દઈએ કે, કંગનાએ ભટિંડાના ગામ જંડિયામાં રહેતી એક વૃદ્ધ મહિલા ખેડૂત વિશે ટ્વિટ કર્યું હતું કે આ મહિલાઓ 100 રૂપિયામાં આંદોલનમાં જોડાય છે. કંગનાના આ નિવેદન બાદ અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ વૃદ્ધ મહિલાએ અભિનેત્રી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કંગનાએ આ વૃદ્ધ મહિલાનો ફોટો શેર કરીને માન્યુ કે તે CAA પ્રોટેસ્ટમાં સામેલ થઈ ગઈ છે અને લખ્યું છે કે, તે એ જ દાદી છે જેને ટાઈમ મેગેઝિને શક્તિશાળી ભારતીય ગણાવ્યા હતા. આ 100 રૂપિયામાં ઉપલબ્ધ છે. પાકિસ્તાની પત્રકારોએ ભારતના આંતરરાષ્ટ્રીય PRને શરમજનક રીતે હાઇજેક કર્યું છે.
કંગનાનું આ ટ્વીટ જોઈને જ્યારે હોબાળો મચી ગયો ત્યારે અભિનેત્રીને ખબર પડી કે તેણે ખોટી મહિલાનો ફોટો શેર કર્યો છે, બાદમાં કંગનાએ આ ટ્વીટ તરત જ ડિલીટ કરી દીધું. બાદમાં આ મહિલાએ અભિનેત્રી વિરુધ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.