
આ દિવસોમાં બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘RRR’ના (Film RRR) નિર્માતાઓ માટે લોકપ્રિય કહેવત ‘જે સારી રીતે શરૂ થાય છે, તે સારી રીતે સમાપ્ત થાય છે’ સાચી પડતી જણાય છે. આનું કારણ એ છે કે એસએસ રાજામૌલીની (SS Rajamouli) આગામી ફિલ્મ ‘RRR’નું મલ્ટી ટૂર પ્રમોશન હાલમાં જ તે જ ઉત્સાહ સાથે પૂર્ણ થયું છે જે રીતે તે શરૂ થયું હતું. રામ ચરણ, જુનિયર એનટીઆર અને ફિલ્મના નિર્માતાઓ સહિત ફિલ્મના કલાકારોએ મંગળવારે વારાણસીમાં પવિત્ર ગંગા આરતી સાથે મલ્ટી-ટૂર પ્રમોશનને પૂર્ણ કર્યું.
બેંગલુરુ, હૈદરાબાદ, દુબઈ, વડોદરા, દિલ્હી, જયપુર, અમૃતસર અને કોલકાતા જેવા શહેરોની મુલાકાત લીધા પછી, ફિલ્મના કલાકારો ગંગા આરતી કરવા અને તેમની બીગ ટિકિટ રિલીઝ માટે આશીર્વાદ લેવા બાબા કાશીનાથના નિવાસ સ્થાન વારાણસી પહોંચ્યા. અહીં ટીમ ખૂબ જ ઉત્સાહિત દેખાતી હતી. એટલું જ નહીં, કલાકારોએ સ્થાનિક મીડિયા સાથે વાર્તાલાપ પણ કર્યો અને કેટલીક સ્થાનિક વાનગીઓનો આનંદ પણ માણ્યો.
બે મેગા સ્ટાર્સ રામ ચરણ અને જુનિયર એનટીઆરને જોવા માટે શહેરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. વારાણસીના ગંગા ઘાટ પર લોકો એકઠા થયા હતા. વારાણસીના લોકોએ રામ ચરણ, જુનિયર એનટીઆર અને એસએસ રાજામૌલીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને તેમને હર્ષભેર વધાવી લીધા.
રસપ્રદ વાત એ છે કે, એક બેન્ચમાર્ક સેટ કરતા, એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ભારતની સૌથી મોટી એક્શન ડ્રામા ‘RRR’ ડોલ્બી સિનેમામાં રિલીઝ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ છે. આ ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર સિવાય સ્ટાર-સ્ટડેડ લાઈનઅપનો સમાવેશ થાય છે. ફિલ્મમાં આ બે મેગા પાવર સ્ટાર્સ સિવાય અજય દેવગણ, આલિયા ભટ્ટ, ઓલિવિયા મોરિસ મહત્વની ભૂમિકામાં જોવા મળશે, જ્યારે સમુથિરકાની, રે સ્ટીવનસન અને એલિસન ડુડી સહાયક ભૂમિકામાં સ્ક્રીન શેયર કરતા જોવા મળશે.
પેન સ્ટુડિયોના જયંતિ લાલ ગડાએ સમગ્ર ઉત્તર ભારતમાં થિયેટ્રિકલ વિતરણ અધિકારો મેળવ્યા છે અને તમામ ભાષાઓ માટે વિશ્વવ્યાપી ઈલેક્ટ્રોનિક અધિકારો પણ ખરીદ્યા છે. જ્યારે પેન મરુધર નોર્થ ટેરિટરીમાં ફિલ્મને ડીસ્ટ્રીબ્યુટ કરશે. આ પીરિયડ એક્શન ડ્રામા ફિલ્મ ડીવીવી એન્ટરટેઈનમેન્ટ્સના ડીવીવી દાનૈયા દ્વારા બનાવવામાં આવી છે. દર્શકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ ફિલ્મ 25 માર્ચ, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ 3Dમાં પણ રિલીઝ થશે. હવે જોવાનું એ રહેશે કે સાઉથ સિનેમાના આ મેગાસ્ટાર્સ હિન્દી ભાષી દર્શકોમાં રંગ જમાવી શકશે કે નહીં.
આ પણ વાંચો : શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ